કીવ: યૂક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો તેની શરૂઆતના કલાકોમાં રશિયન સૈનિકોએ યૂક્રેનની યુવતીઓ સાથે ફ્લર્ટિંગ શરૂ કર્યું હોવાનો દાવો સ્થાનિક યુવતીઓએ કર્યો હતો. ટિન્ડરમાં ૩૦ કિલોમીટરની રેન્જમાં રશિયન સૈનિકો જોવા મળી રહ્યા હતા. યૂક્રેનની યુવતીઓએ દાવો કર્યો હતો કે તેમને છેલ્લાં બે દિવસમાં અચાનક રશિયન સૈનિકોએ ટિન્ડરમાં મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે. રશિયન સૈનિકો ડોનેટસ્ક અને લુહાન્સકમાં ઘૂસી ગયા પછી કીવ સુધી તેમના મેસેજ પહોંચવા લાગ્યા હતા. યૂક્રેનની યુવતીઓએ દાવો કર્યો હતો કે રશિયન સૈનિકોના અસંખ્ય મેસેજ મળ્યા હતા. કેટલીય યુવતીઓએ તો એના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. ટિન્ડરમાં રશિયન સૈનિકોએ આર્મી યુનિફોર્મમાં જ ફોટો મૂક્યા હોવાથી તેમની ઓળખ પણ જાહેર થઈ હતી. જોકે, ફોટા સાચા રાખીને તેમણે નામ જૂદું સેટ કર્યાની શક્યતા પણ વ્યક્ત થઈ હતી. કેટલાક સૈનિકોએ તેમની પ્રોફાઈલોમાં લોકેશન બદલીને પૂર્વી યૂક્રેનના સ્થળોને સેટ કર્યા હતા. રશિયન સૈનિકોએ છૂટથી યૂક્રેનની મહિલાઓ સાથે ફ્લર્ટિંગ કરીને મેસેજ મોકલવાનું શરૂ કરતા તેમની હાજરી સાવ નજીકમાં હોવાનું જણાયું હતું.