ટોરોન્ટોઃ આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના કારણે કાળઝાળ ગરમીનો સામનો કરી રહી છે ત્યારે હૈયાને ટાઢક કરે તેવા સમાચાર આવ્યા છે. કેનેડાના એન્ટોની મૂસેઝ નામના યુવકે સૌથી વધુ સંખ્યામાં રોપાઓ વાવવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મૂસેઝે એક દિવસમાં 23,060 રોપા વાવીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 17 જુલાઈ 2021ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના પહેલાં 24 કલાકમાં સૌથી વધુ રોપા વાવવાનો રેકોર્ડ 2001માં બન્યો હતો, જે 15,170 રોપા વાવવાનો હતો. એન્ટોની મૂસેઝ છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃક્ષો વાવવામાં વ્યસ્ત છે. તેણે કેનેડામાં અત્યાર સુધીમાં 13 લાખ રોપા વાવ્યા છે. તેણે 23 વર્ષની ઉમરમાં આ રેકોર્ડ બનાવ્યો છે. એન્ટની વ્યવસાયે પર્યાવરણવાદી અને એથ્લીટ છે. વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા પછી પણ તે અટક્યો નથી. વૃક્ષો વાવવાનું તેનું કાર્ય હજુ પણ ચાલુ છે. તે એક મિનિટમાં લગભગ 16 વૃક્ષો વાવી શકે છે. 6 લોકોની ટીમે તેને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં મદદ કરી હતી. વર્ષ 2030 સુધીમાં કેનેડામાં 200 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં તે ઉમળકાભેર યોગદાન આપી રહ્યો છે.