વોશિંગ્ટન,લંડનઃ અમેરિકાના કોંગ્રેસમેન્સે હોંગ કોંગની લોકશાહીતરફી ચળવળને નોબેલ શાંતિ પારિતોષિક આપવા નોમિનેટ કરેલ છે. નોબેલ કમિટીને પાઠવેલા પત્રમાં નવ સાંસદોએ બેઈજિંગ દ્વારા દમનના કોરડા સામે આંદોલનકારીઓને પ્રેરણાસ્રોત ગણાવ્યા હતા. પક્ષીય બાબતોથી પર થઈ સાંસદોએ જણાવ્યું હતું કે ૨૦૧૯ની ૧૬ જૂને બે મિલિયનથી વધુ લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા.
ચીનમાં માનવાધિકારોનું મૂલ્યાંકન કરતી કોંગ્રેસનલ-એક્ઝિક્યુટિવ કમિશન ઓન ચાઈનાના સહાધ્યક્ષો યુએસ રિપબ્લિકન સેનેટર માર્કરો રુબિયો અને ડેમોક્રેટિક રિપ્રેઝન્ટેટિવ જિમ મેકગવર્નની આગેવાની હેઠળના પત્રમાં જણાવાયું છે કે.‘હોંગ કોંગની વસ્તી ૭.૫ મિલિયનની છે ત્યારે આ આંદોલન ઈતિહાસમાં સૌથી મોટા સામૂહિક વિરોધી દેખાવોમાં એક છે. આ પારિતોષિક વિશ્વને પ્રેરણા આપતી તેમની વીરતા અને મક્કમતાનું સન્માન કરશે. નોબેલ કમિટી ચીનમાં શાંતિ અને માનવ અધિકારો માટે સંઘર્ષ કરનારાઓ પ્રકાશ પાડવાનું ચાલુ રાખશે તેવી અમને આશા છે.’
ઉલ્લેખનીય છે કે નાણાકીય હબમાં અશાંતિ પછી બેઈજિંગે ગયા વર્ષે નેશનલ સિક્યોરિટી લો લાદ્યો હતો જેનો ઉપયોગ વિરોધને કચડી નાખવા કરાયો છે. યુકે સરકારે હોંગ કોંગના બ્રિટિશ નેશનલ્સ (ઓવરસીઝ) પાસપોર્ટ ધરાવતા નાગરિકોને બ્રિટનમાં વસવાટ અને કામ કરવા માટે નવી વિઝાનીતિ જાહેર કરી છે. આ વિઝા મેળવનારા હોંગ કોંગવાસીઓ સમયાંતરે બ્રિટિશ નાગરિકત્વ માટે પણ અરજી કરી શકે તેવી જોગવાઈ છે. આ સ્કીમ હેઠળ આશરે ૩૦૦,૦૦૦ લોકો હોંગ કોંગ છોડી બ્રિટન આવે તેવી શક્યતા છે. બીજી તરફ, ચીન દ્વારા માન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે બ્રિટિશ નેશનલ ઓવરસીઝ પાસપોર્ટની માન્યતા રદ કરી નાખવાની ધમકી અપાઈ છે.