હોંગ કોંગ: હોંગ કોંગમાં લાગુ થયેલા નવા નેશનલ સિક્યુરિટી લો (એનએસએલ)ની મોટી કિંમત ત્યાંના લોકપ્રિય અખબારે ચૂકવી છે. ‘એપલ ડેઇલી’એ ૨૪ જૂને તેની છેલ્લી એડિશન છાપી છે. સતત પોલીસ કાર્યવાહી, ચીફ એડિટર અને પાંચ એક્ઝિક્યુટિવ્સની ધરપકડ કરી લેવાતા અને આર્થિક સંપત્તિઓને જપ્ત કરાતાં અખબારને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ‘એપલ ડેઇલી’ હોંગકોંગમાં લોકશાહી માટેના બુલંદ અવાજમાંનું એક હતું અને તેના સ્થાપક જીમી લાઇની કથની ચીન સાથે અખબારના સંઘર્ષનો અરીસો છે. ‘એપલ ડેઇલી’ની ક્રાંતિકારી નીતિરીતિને સમર્થન આપવા માટે સેંકડો લોકો ૨૩મીની રાત્રે જ અખબારની કચેરીની નીચે જમા થયા હતા. ભારે વરસાદમાં પલળતા લોકોએ સ્માર્ટફોન્સની લાઇટ દેખાડીને સમર્થન આપ્યું હતું. પત્રકારો પણ બાલ્કનીમાં આવી ગયા હતા અને સમર્થકોના ઉમળકાનો પ્રતિસાદ આપ્યો હતો. છેલ્લી એડિશનના ફ્રન્ટપેજ પરની ફોટોલાઇનનું હેડિંગ હતુંઃ હોંગકોંગ નિવાસીઓએ વરસાદમાં દર્દભર્યુ આવજો કહ્યું.
છેલ્લી એડિશનની એક મિલિયન કોપી વેચાઈ
લોકશાહીના સમર્થક ‘એપલ ડેઇલી’ની આખરી પ્રિન્ટ બુધવારે રાત્રે છપાઇ રહી હતી ત્યારે હોંગકોંગના નાગરિકો પોતાના પ્રિય અખબારની આખરી કોપી મેળવવા માટે વરસતા વરસાદમાં રાતથી જ લાઇનમાં ઊભા રહી ગયા હતા. અખબારે ૧૦ લાખ કોપી છાપી હતી પરંતુ સવારના સાડા આઠ થતાં સુધીમાં શહેરમાં તમામ સ્થાનો પર એડિશન વેચાઇ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૧૭ જૂન ૨૦૨૧ના દિવસે આશરે ૫૦૦ પોલીસ કર્મચારીઓએ ‘એપલ ડેઇલી’ના ન્યૂઝરૂમ પર છાપો માર્યો હતો. અખબાર પર કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને અખબારની ૨૩ લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.
ચીફ એડિટર અને પાંચ એક્ઝિક્યુટિવની ધરપકડ કરાઇ હતી.