લોસ એન્જલસ: કેથે પેસિફિક એરલાઇન્સની CX-80 ફ્લાઇટે પહેલી જાન્યુઆરી 2025ના રોજ ઉડાન ભરીને 31 ડિસેમ્બર 2024ના રોજ લોસ એન્જેલસમાં લેન્ડીંગ કરતાં ફલાઇટના પ્રવાસીને બે વાર ન્યૂ યર ઉજવવાની તક મળી હતી. આમ થવા પાછળનું કારણ પેસિફિક મહાસાગર પર ખેંચાયેલી કાલ્પનિક ઇન્ટરનેશનલ ડેટલાઇન છે.
પ્રવાસીઓએ પહેલાં હોંગકોંગમાં નવું વર્ષ ઉજવ્યું હતું. પછી તેઓ પ્લેનમાં બેઠાં અને લોસ એન્જેલસ પહોંચ્યા બાદ ફરી નવા વર્ષની ઉજવણી કરી હતી. બે વાર નવું વર્ષ ઉજવવા મળતાં પ્રવાસીઓ માટે 21મી સદીનો રજત જયંતી વર્ષમાં પ્રવેશ યાદગાર બની રહ્યો હતો. આ અનોખી ઘટના બનવાનું કારણ પેસિફિક મહાસાગર પર આવેલી ઇન્ટરનેશનલ ડેટલાઇન છે. જ્યારે કોઇ વિમાન આ ડેટલાઇન પરથી પસાર થાય ત્યારે તેની તારીખ બદલાઇ જાય છે. પશ્ચિમ તરફ જતાં વિમાનની તારીખ એક દિવસ આગળ જાય છે તો પૂર્વ તરફ જતાં વિમાનની તારીખ એક દિવસ પાછળ ઠેલાય છે. આ જ કારણે હોંગકોંગથી સવારે ફલાઇટ પકડી પ્રવાસી ઇન્ટરનેશનલ ડેટલાઇન પસાર કરી લોસ એન્જેલસ પહોંચ્યા ત્યારે પણ પહેલી તારીખ થઇ હતી. આમ, તેમને બે વાર નવું વર્ષ ઉજવવાનો મોકો મળ્યો હતો. રસપ્રદ બાબત એ છે કે આ ઇન્ટરનેશનલ ડેટલાઇનનો કોઇ કાનુની દરજ્જો નથી અને તે એક સીધી રેખા પણ નથી. અનેક દેશોમાં તેની ભૂગોળ અનુસાર આ રેખા વળાંક પણ લે છે. જેમ કે, રશિયા અને અલાસ્કા વચ્ચે આ રેખા ઝીગઝેગ આકારમાં પસાર થાય છે.