હોંગકોંગ: હોંગકોંગના કસ્ટમ વિભાગે 1.8 બિલિયન અમેરિકી ડોલરની હેરાફેરી મામલે ચાર ભારતીય સહિત સાતની ધરપકડ કરી છે. આ રકમમાં ભારતની એક મોબાઈલ એપનો ગોટાળો પણ સામેલ છે. હોંગકોંગની આ સૌથી મોટી નાણાકીય હેરાફેરીની ઘટના છે. ભારતની અન્ય બે જ્વેલરી કંપનીઓ પણ તેમાં સંડોવાયેલી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ એક એકાઉન્ટમાં રોજના 10 કરોડ હોંગકોંગ ડોલર એટલે કે 1.28 કરોડ યુએસ ડોલર જમા થતા હતા અને તેમાંથી દૈનિક 50થી વધુ લેવડદેવડ થતી હતી. આ કેસમાં 16 ફેબ્રુઆરીએ 34 વર્ષીય એક વ્યક્તિ, તેની પત્ની, ભાઈ અને તેના પિતાની ધરપકડ કરાઈ છે. આ તમામ ભારતીય હોવાનું મનાય છે. આ ઉપરાંત ત્રણ અન્ય વ્યક્તિ હોંગકોંગ નિવાસી છે અને તેઓ પણ ઈલેકટ્રોનિક્સ, રત્ન અને આભૂષણના વેપાર સાથે સંકળાયેલી છે. તેમના ઉપર નકલી કંપનીઓ અને નકલી બેન્ક ખાતા ખોલવાનો આક્ષેપ છે. ભારતીય ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતીની આપ-લેમાં ઘણી માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.