હોંગકોંગઃ વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ કુલ દસ હજાર સુધી પહોંચી ગયા છે ત્યારે હોંગકોંગમાં વિચિત્ર ઘટના બની છે. હોંગકોંગમાં માણસમાંથી કૂતરાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી નવેસરથી ફફડાટ ફેલાયો છે. હોંગકોંગમાં એક ૬૦ વર્ષની મહિલાના કારણે તેના પાલતુ શ્વાનને કોરોના થયો છે. કૂતરાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં સ્વાસ્થ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કારણ કે જો કૂતરાથી કોરોના ફેલાય તો સ્થિતિ વધારે ભયાનક થવાની શક્યતા છે. દુનિયાનો આ પહેલો કિસ્સો છે કે જેમાં માણસમાંથી પ્રાણીમાં કોરોના વાયરસ ફેલાયો છે. ચીની મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જોકે, નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે કૂતરા-બિલાડા સહિતના સજીવોને કોરોના થઈ શકે છે, પરંતુ એનાથી કોરોના અન્યને થાય એવી શક્યતા નથી. કારણ કે સજીવોમાં એટલી તીવ્રતાથી ફેલાતો નથી.
ચીનમાં વાળ કાપવા ચાર ફૂટ લાંબી કાતરનો ઉપયોગ
ચીન કોરોનાના ગંભીર ઝપટમાં આવી ગયું છે. કોણ અસરગ્રસ્ત છે અને કોણ નથી એ નક્કી કરવાનું કામ કપરું થતું જાય છે. આવી સ્થિતિમાં રોજિંદા કામોમાં પણ તેની અસર દેખાવા લાગી છે. વાળ કાપવા જેવા કામો એનાથી પ્રભાવિત થવા લાગ્યા હોવાથી હવે હેર આર્ટિસ્ટે નવી તરકીબ અજમાવી છે. તેણે ચાર ફૂટ લાંબી કાતરથી વાળ કાપવાનું શરૂ કર્યું છે. વાળ કપાવનારાના મોં ઉપર માસ્ક અને વાળ કાપનારાના મોં ઉપર પણ માસ્ક હોય એટલે સલામત અંતર રાખવામાં આવે તો કોરોનાનું સંક્રમણ ટાળી શકાય છે. એવી સાદી સમજ પરથી આર્ટિસ્ટ્સે ખાસ પ્રકારની લાંબી કાતરનો ઉપયોગ શરૂ કર્યો છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.