બિજિંગઃ ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોંગકોંગમાં બ્રિટનના વાણિજ્ય દૂતાવાસના કાર્યકર્તાને કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ચીનના સીમાવર્તી શહેર શેનઝેન ખાતે દૂતાવાસના અધિકારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. બ્રિટન દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરાઈ હતી અને ચીન સરકારે પાસેથી પોતાના સદસ્ય અંગે જવાબ મંગાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાઈમન ચેંગ મૈન-કિટને ૧૦ દિવસથી કસ્ટડીમાં પૂરવામાં આવ્યો છે. હોંગકોંગ ખાતે કામ કરતી તાઈવાનની એવી સાઈમનની ૨૭ વર્ષીય પ્રેમીકાએ પોતાનું નામ ન આપવાની શરતે સાઈમન (૨૮) ૮ ઓગસ્ટના રોજ ઘરે પરત થતી વખતે ગાયબ થઈ ગયો હતો તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં તે મુસાફરી કરી રહી હતી તે સમયે પોલીસ અધિકારીઓને તેના ફોનમાંથી ફોટા ડિલિટ કરવા મજબૂર કરી હતી અને ફોનની માગણી કરી હતી.