બૈજિંગઃ ચીનના ઝેન્ગજિયાજિયે વિસ્તારમાં આવેલા એક પર્વત ઉપર દુનિયાની સૌથી વધુ ઉંચાઈએ આઉટડોર લિફ્ટ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ લિફ્ટ ક્લિફની બહારની બાજુએ છે, જેથી લિફ્ટ જ્યારે પર્વતની ટોચ ઉપર પહોંચે છે ત્યારે બહારનો વ્યૂ લોકોને જોવા મળે છે. અહીંયા ત્રણ ડબલ ડેકર લિફ્ટ સેટ કરવામાં આવી છે. આ લિફ્ટ માત્ર ૮૮ સેકન્ડમાં જ ૧,૦૭૦ ફૂટની ઊંચાઈએ આવેલા પર્વતની ટોચ સુધી પહોંચાડી દે છે. અહીં હોલિવૂડની ‘અવતાર’ ફિલ્મની થીમ ઉપર જ ટેરેસ બનાવવામાં આવ્યું છે. ડોમેસ્ટિક ટૂરિઝમનું આ સૌથી મોટું એટ્રેક્શન છે. જાણકારોના મતે આ લિફ્ટ અને આ માળખું ત્રણ જેટલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ લિફ્ટ દુનિયાની સૌથી ઊંચાઈએ આવેલી આઉટડોર લિફ્ટ છે.
તે ઉપરાંત દુનિયાની સૌથી ઊંચાઈએ આવેલી સૌથી લાંબી ડબલ ડેકર લિફ્ટ છે. સાથોસાથ દુનિયાની સૌથી વધુ ઊંચાઈએ સૌથી ઝડપથી પહોંચાડતી લિફ્ટનો રેકોર્ડ પણ તેના નામે જ છે. આ ટૂરિસ્ટ પ્લેસની મુલાકાતે હજારો લોકો પહોંચે છે. અહીંયા એક વ્યક્તિની રિટર્ન ટિકિટ ૧૯ ડોલર છે. અહીંયા હાલમાં દરરોજ ૮,૦૦૦ પ્રવાસીઓ લિફ્ટનો ઉપયોગ કરે છે. કોરોના મહામારી પહેલાં આ આંકડો ૧૪,૦૦૦ હતો.
જાણકારોના મતે આ સમગ્ર માળખું ૧૩.૭ મિલિયન ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ લિફ્ટમાં એક સાથે ૫૦ પ્રવાસીઓ બેસી શકે છે. આ લિફ્ટ બનાવવાની શરૂઆત ૧૯૯૯માં કરવામાં આવી હતી. ૨૦૦૩થી આ લિફ્ટનો ટૂરિસ્ટ સ્પોટ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કરાઈ છે.