સિંગાપોરઃ એન્ટિ કરપ્શન ડિપાર્ટમેન્ટે બે ફોર્કલિફ્ટ ડ્રાઈવરને એક ડોલરની લાંચ લેવાના આરોપમાં ૧ લાખ સિંગાપોર ડોલર એટલે કે અંદાજે રૂ. ૫૨ લાખનો દંડ અને છ મહિનાની જેલની સજા ફટકારી છે. ચેન જિલિયાંગ (૪૭) અને ઝાઓ યુકુન (૪૩) બંને ચાઈનીઝ ડ્રાઈવર છે. તેમણે કબૂલ્યું છે કે શહેરના એક બંદર પર કામ કરતી વખતે તેમણે લાંચ લીધી હતી. સિંગાપોરમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરતી એજન્સીએ કહ્યું છે કે ભ્રષ્ટાચારની કોઈ પણ પ્રકારની ઘટના સાંખી લેવાશે નહીં, પછી ભલે લાંચની રકમ ગમે તેટલી હોય. નોંધનીય છે કે સિંગાપોરમાં લાંચના ગુનામાં દોષિત ઠરનારી કોઈ પણ વ્યક્તિને એક લાખ સિંગાપોર ડોલરનો દંડ અને મહત્તમ ૫ વર્ષની જેલની સજા મળે છે.