અમદાવાદઃ ઈટાલીનાં ૧૦૪ વર્ષીય અદા ઝાનુસો ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુનો ભોગ બન્યા હતા અને ૨૦૨૦માં કોરોનાની લપેટમાં આવી ગયાં હોવા છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર નીકળનાર વિશ્વના સૌથી વયોવૃદ્ધ મહિલા બન્યાં છે. જ્યારે પુરુષોમાં અમેરિકાના બિલ લાપ્સચિસ આવા જ નસીબવંતા નીવડયા છે. ૧૦૪ વર્ષીય બિલને પણ અદા ઝાનુસોની જેમ તેમની બે વર્ષની વયે સ્પેનિશ ફલુ ૧૯૧૮માં થયો હતો ત્યારે તેમના માતા-પિતા સહિત કુટુંબીઓના મૃત્યુ થયા હતા પણ તેઓ બચી ગયા હતા.
બિલ અને અદા તો બીજા વિશ્વયુદ્ધના પણ સાક્ષી બન્યાં છે એટલું જ નહીં, બિલે તો બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે પણ ભાગ લીધો હતો. બિલના ઘણા સાથીઓએ શહાદત વહોરી હતી જ્યારે તેઓ તે યુદ્ધ વેળા પણ બચી ગયા હતા.
બિલ અને અદા બન્ને કોરોનાનો ભોગ બન્યા હતા. ૯૦ વર્ષથી મોટી વયના દર્દીઓમાં અમેરિકા અને ચીનમાં જીવવાનો દર માંડ એક ટકો છે ત્યારે આ બંને પોતપોતાના દેશમાં સારવાર મેળવીને સાજા થઈને હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા છે. બિલ અમેરિકાના ઓરેગોનમાં આવેલ વૃદ્ધોના સેન્ટરમાં રહે છે. તેમના સેન્ટરમાંથી ઘણા વૃદ્ધોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. બિલે તાજેતરમાં ૧૦૪ વર્ષ પુરા કર્યા ત્યારે તેમના પ્રપૌત્ર, પ્રપૌત્રી સહિતના કુટુંબ જોડે જન્મદિન ઉજવ્યો હતો. બિલ કહે છે કે કોરોનાની બીમારી અને સારવારને લીધે તેના સ્નાયુ ખાસ્સા નબળા પડી ગયા હોવાથી વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ હવે તેમણે વ્હીલચેરમાંથી બેઠા થવાનો સંકલ્પ કર્યો હોઈ સ્નાયુ મજબુત કરવાની કસરત શરૂ કરી છે.
બિલ અને અદા બંને મીડિયામાં છવાયા છે અને બન્ને વિશ્વને એવી ટિપ્સ પણ આપે છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, તમારો જુસ્સો બુલંદ રાખો...
ઈટાલીનાં અદા ઝાનુસોના વૃદ્ધાશ્રમની મોટા ભાગની મહિલાઓને કોરોના થયો અને તેમના ૨૦ સાથી મૃત્યુ પામ્યાં. અદા પણ ૧૯૧૮ના સ્પેનિશ ફલુ થયા બાદ બાળ દર્દી તરીકે ઉગરી ગયા હતા. તે અમેરિકાના બિલ કરતા ઉંમરમાં કેટલાક દિવસો મોટાં છે. અદાના ડોક્ટરોએ કહ્યું કે તેમને શ્વાસમાં ભારે તકલીફ પડતી હતી. વારંવાર ઉલટીઓ થતી હતી. તાવ ચઢ-ઉતર થતો હતો છતાં તેમણે અસાધારણ જુસ્સો દેખાડ્યો. અદા હોસ્પિટલમાંથી જાતે જ કોઈ પણ ટેકા વગર બહાર નીકળ્યા ત્યારે કુટુંબીજનો અને તબીબી સ્ટાફે તેમને તાળીઓ પાડી વધાવ્યા હતા. આવા વ્યક્તિઓ વિશ્વ માટે પ્રેરણારૂપ છે.