આફ્રિકા ખંડની ધરતીમાં હીરાનો ભંડાર છે. હીરાની અનેક ખાણો ત્યાં આવેલી છે માટે ત્યાંથી નવા નવા હીરા મળતાં રહે છે. આફ્રિકા ખંડના દેશ બોત્સવાનાની સરકારે જાહેર કર્યું છે કે તેમને ૧૦૯૮ કેરેટ (અંદાજે ૨૨૦ ગ્રામ)નો હીરો મળી આવ્યો છે. વિશ્વભરની હીરાની ખાણમાંથી અત્યાર સુધીમાં મળેલા હીરાઓમાં આ ત્રીજો સૌથી મોટો હીરો છે. આ હીરો બોત્સવાનાની ડાયમંડ કંપની ડેબ્સવાનાને જ્વાનેંગ ખાણમાંથી મળ્યો છે, જે જગતની સૌથી ડાયમંડ સમૃદ્ધ ખાણ છે. આ જ્વાનેંગ ખાણમાંથી સૌથી વધારે હીરા મળે છે. આ હીરાની કિંમત હજી સુધી આંકવામાં આવી નથી, આગામી દિવસોમાં આ અંગેની કાર્યવાહી હાથ ધરાશે. આ હીરો અત્યારે ૭૩ મી.મી. લાંબો, ૫૨ મી.મી. પહોળો અને ૨૭ મી.મી. જાડો છે. આ હીરો અત્યારે રફ છે, તેને પાસાં પાડીને ચમકદાર ડાયમંડમાં પરિવર્તિત કરવામાં આવશે. આવો હીરો મળવાથી બોત્સવાનાની સરકાર પણ ઉત્સાહમાં આવી ગઈ છે કેમ કે દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. એમાં આ હીરાએ નવો આશાવાદ જગાવ્યો છે. જગતનો સૌથી મોટો હીરો પણ આફ્રિકામાંથી જ મળ્યો હતો. કુલિનન નામનો એ હીરો ૧૯૦૫માં મળ્યો હતો અને ૩૧૦૬ કેરેટ (૬૨૫ ગ્રામ)નો હતો. એ પછી મળેલો બીજો સૌથી મોટો હીરો લેડી લા રોના હતો. એ હીરો ૨૦૧૬માં બોત્સવાનામાંથી જ મળ્યો હતો. એ ૧૧૦૯ કેરેટનો હતો.