લંડનઃ અંધ-બધિર અને ૧૧૦ વર્ષના અફઘાન નિર્વાસિત અબ્દુલ કાદિર અઝિઝી તેના આઠ પરિવારજનો સાથે જર્મની પહોંચ્યા છે અને તેને બાવેરિયાના પાસાઉ ખાતેની નિર્વાસિત છાવણીમાં આશ્રય અપાયો છે. જર્મનીએ યુરોપ આવતા હજારો નિર્વાસિતો માટે દેશના દ્વાર ખોલ્યાં પછી ત્યાં આશ્રય માટે આવેલા અબ્દુલ કાદિર અઝિઝી સૌથી વૃદ્ધ રેફ્યુજી હોવાનું માનવામાં આવે છે. જર્મન સત્તાવાળાએ અઝિઝીની જન્મ તારીખ પૂછતાં પરિવારે જાન્યુઆરી ૧, ૧૯૦૫ જણાવ્યું હતું. જોકે, દાવાની ખરાઈમાં તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. અંધ અને બધિર અઝિઝીએ અફઘાન શહેર બાઘલાનથી જર્મની પહોંચવા બે ખંડનો પ્રવાસ એક મહિનામાં કર્યો હોવાનું તેમની ૬૦ વર્ષીય પુત્રીએ જણાવ્યું હતું. મોટાભાગે પરિવારના પુરુષો દ્વારા તેમને ઊંચકી લેવાતા હતા. તાલિબાન દ્વારા અઝિઝીના ત્રણ પુત્રની હત્યા પછી તેઓ દેશમાંથી નીકળી ગયા છે.
• ત્રણ દેશોના વિજ્ઞાનીઓને મેડિસિનનું નોબેલઃ આયર્લેન્ડમાં જન્મેલા અમેરિકી વિલિયમ કેમ્પબેલ, જાપાનના સતોષી ઓમુરા અને ચીનના યૂયૂ તૂને સંયુક્તપણે વર્ષ ૨૦૧૫ના તબીબી વિજ્ઞાન માટેના નોબેલથી નવાજવામાં આવ્યા છે. યૂયૂ ને કુલ પુરસ્કારના ૫૦ ટકા પ્રાપ્ત થશે. યૂયૂને મલેરિયાથી થતા ઇન્ફેકશન તેમ જ અન્ય બે વૈજ્ઞાનિકોને કીડામકોડાથી થતા ઇન્ફેકશનના ઉપચાર શોધવા બદલ નોબેલથી નવાજાયા છે.