લેટિન અમેરિકન દેશ મેક્સિકોના સાન્તા લુસિયામાં નવા એરપોર્ટના નિર્માણ માટે જમીનમાં ખોદકામ શરૂ કર્યું તો ૧૫,૦૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા મહાકાય હાથીઓ સહિત અન્ય જીવોના ૬૦થી વધુ અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વવિદ્દોના મતે આ અવશેષો પ્રાગૈતિહાસિક કાળના છે. આ સ્થળે એકથી વધુ મેમથ્સના લાંબા અને આકર્ષક દંતશૂળ તેમજ માથાનાં હાડકાં મળી આવ્યા છે. હાલ પૃથ્વી પર વિચરતા હાથીઓના પૂર્વજોના અશ્મિઓ સૌથી પહેલાં ઈ.સ. ૨૦૧૯માં દેખાયા હતા. જે પછી પુરાતત્વવિદ્દોએ સાઈટ પર ખૂબ જ સાવચેતીપૂર્વક ખોદકામ શરૂ કર્યું હતું અને આવા અન્ય અવશેષોને શોધી કાઢ્યા છે, જેની તસવીરો પહેલી વખત પ્રકાશિત થઇ છે. માનવશાસ્ત્રના નિષ્ણાતોના મતે ૧૫,૦૦૦ વર્ષ પહેલાં ઉત્તર પાષાણ યુગના મનુષ્યોએ આ મહાકાય હાથીઓનો શિકાર કર્યો હતો. ગત વર્ષે કેટલાંક સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે તેમને એરપોર્ટથી ૧૨ કિ.મી. દૂર બે વિશાળ ખાડા મળી આવ્યા છે, જે મનુષ્યોએ તૈયાર કર્યા હતા. હવે એવો દાવો કરાયો છે કે આ ખાડા મહાકાય હાથીઓને પકડવા માટે બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. મેક્સિકોમાંથી મળેલા કોલંબિયન મેમથનું વજન તે સમયે ૯ હજાર કિ.ગ્રા. જેટલું હશે અને તેમના દંતશૂળ ૧૬ ફૂટ જેટલા લાંબા જોવા મળ્યા છે. તેમની ઊંચાઈ ૧૫ ફૂટની હોવાનો અંદાજ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યાા છે. આ બધાની સાથે ૧૫ જેટલી માનવ-ખોપડીઓ પણ મળી છે અને શ્વાનના અવશેષો પણ મળ્યા છે.