ન્યૂ યોર્કઃ વિશ્વન જાણીતા બિલિયોનેર અને ટેસ્લા જેવી જગપ્રસિદ્ધ કંપનીના માલિક એલન મસ્ક વિશે આપણે એમ જ માનતા હોઈએ કે એ તો મુકેશ અંબાણીના એન્ટિલિયાની જેમ કોઈ વૈભવી નિવાસસ્થાનમાં વસવાટ કરતા હશે. જોકે આ માન્યતા સાચી નથી. મસ્ક ફક્ત ૫૦,૦૦૦ ડોલરના મકાનમાં રહે છે.
મસ્કે છેલ્લા એક વર્ષ દરમિયાન તેનો મોટા ભાગનો રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વેચી નાંખ્યો છે. આમ ૧૬૭.૩ બિલિયન ડોલરની સંપત્તિના માલિક મસ્ક ફક્ત ૨૦ બાય ૨૦ ફૂટના ફોલ્ડેબલ પ્રી-ફેબ્રિકેટેડ હોમમાં રહે છે. અને આ મકાન પણ તેમણે ભાડે રાખ્યું છે.
મસ્કે જણાવ્યું હતું કે બોકાચિકા-સ્ટારબેઝ ખાતેનું ૫૦ હજાર ડોલરનું મકાન મેં સ્પેસએક્સ પાસેથી ૫૦,૦૦૦ ડોલરના ભાડાં પર લીધું છે. મસ્ક હાલમાં બોક્સેબલ કંપની દ્વારા બનાવવામાં આવેલા ફક્ત ૩૭૫ ચોરસ ફૂટના મકાનમાં રહે છે. તેનું આ મકાન ફોલ્ડેબલ છે. મતલબ કે ફોલ્ડીંગ કરીને ગમેત્યાં લઈ જઈ શકાય છે અને થોડાક કલાકોમાં તેને ઊભું કરી શકાય છે. મસ્કના નિવાસસ્થાની વાત જાણીને કેટલાક લોકો મજાકમાં કહે છે કે મસ્ક તો તેમની કારના મૂલ્ય કરતાં પણ ઓછી રકમના મકાનમાં રહે છે. મસ્કનું માનવું છે કે તેને બહુ મોટા મકાનની જરૂરિયાત નથી, આ મકાનમાં તેમની જરૂરતની તમામ સગવડ છે, અને તેમને અહીં રહેવાની મજા આવે છે.