ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજી ડિસેમ્બરે ૧૯૭૧નું યુદ્ધ આરંભાયું હતું. અને ૧૪ દિવસ પછી ૧૭મી ડિસેમ્બરે તો ફેંસલો આવી ગયો. જગતના સૌથી ટૂંકા નિર્ણાયક યુદ્ધમાં આ જંગનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની ફોજ શરણે આવવાને બદલે આડેધડ લડત આપી રહી હતી ત્યારે ભારતીય સેનાધ્યક્ષ ફિલ્ડમાર્શલ માણેકશાએ પાકિસ્તાનીઓને મેસેજ પાઠવ્યો હતો કે તમે શરણે આવો છો કે પછી અમે નામોનિશાન મિટાવી દઇએ? આજનું બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતું. ત્યાંથી આવતા શરણાર્થીઓ અને પાકિસ્તાનના અન્ય ત્રાસને કારણે પાકિસ્તાનના બે ફાડિયા કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દઢ ઈચ્છાશક્તિ દર્શાવી એટલે ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખ તો તૈયાર જ હતી. પાક. સૈન્યના ઈસ્ટર્ન કમાન્ડના વડા લેફ.જન. આમિર અબ્દુલાહ ખાન નિયાઝીએ ભારતીય સૈન્યના ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ.જન. જગજિતસિંહ અરોરા સમક્ષ શરણાગતિના દસ્તાવેજ પર સહી કરી હતી. પરંપરા પ્રમાણે લેફ.જન. નિયાઝીએ પોતાની પિસ્તોલ ૧૬મી ડિસેમ્બરે જ લેફ.જન. જગજિતસિંહને સોંપી દીધી હતી. દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં એ પિસ્તોલ સાચવી રખાઈ છે (જમણે). પૂર્વ પાકિસ્તાનની હસ્તી ખરેખર નાબૂદ થઈ હતી એટલે ભારતીય સૈન્યે સેન્સ ઓફ હ્યુમર વાપરીને બોર્ડમાં ‘એક હતું પાકિસ્તાન’ એવો ફેરફાર કરી નાખ્યો (જૂઓ ડાબે). અન્ય તસવીરોમાં નકશાનો અભ્યાસ કરીને રણનીતિ ઘડતા ફિલ્ડમાર્શલ માણેકશા સાથે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ જોવા મળી રહ્યાા છે.