ઇસ્લામાબાદઃ આતંકી મસૂદનો જન્મ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ થયો હતો. તેને અન્ય ૯ ભાઈ-બહેન પણ છે. તેના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. મસૂદે કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઈસ્લામિયા મદરેસામાંથી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનો સંપર્ક હરકત-ઉલ-અંસાર નામના આતંકી સંગઠન સાથે થયો હતો. ૧૯૯૪માં તે કાશ્મીરમાંથી ઝડપાઈ ગયો. ડિસેમ્બર ૧૯૯૯માં કંદહાર વિમાન અપહરણ બાદ તે ફરીથી મુક્ત થઈ ગયો હતો. તે સીધો જ ઓમર શેખને મળ્યો અને તેઓ ત્યાંથી અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને મળવા પહોંચ્યા હતા. બંનેએ કરાચીની એક મસ્જિદમાં ૧૦૦૦ સશસ્ત્ર આતંકવાદીઓને એકઠા કર્યા હતા. મસૂદે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનની સ્થાપના કરી. ત્યાર બાદ તે સતત ભારતમાં આતંકવાદી હુમલા કરાવતો રહ્યો છે.
વાયા બાંગ્લાદેશ ભારતમાં પ્રવેશ
૧૯૯૪માં મસૂદ ઢાકાથી વિમાનમાં દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસેના પાસપોર્ટમાં તેની નાગરિકતા પોર્ટુગલની હોવાનું લખ્યું હતું. એરપોર્ટ પરના અધિકારીને શંકા જતાં મસૂદને પૂછ્યું હતું કે તમારો ચહેરો જોતાં પોર્ટુગલના વતની હોય એવું લાગતું નથી. એટલે મસૂદે કહ્યું હતું કે હું તો મૂળ ગુજરાતી છું. નાનપણમાં જ પોર્ટુગલ સેટલ થયા હતા. એ પછી તેના પાસપોર્ટ પર ઈમિગ્રેશનનો સિક્કો લાગ્યો હતો. એ પહેલાં ૧૯૯૨માં મસૂદે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસ પણ ગુજરાતી મૂળના રહેવાસી મુફ્તી સિમાલીએ આયોજિત કરી આપ્યો હતો.
૧૯૯૪માં પોર્ટુગલના પાસપોર્ટ ઉપર બાંગ્લાદેશના રસ્તે ભારતમાં દાખલ થયા બાદ મસૂદ અઝહર કાશ્મીર પહોંચ્યો હતો. જોકે ૧૯૯૪માં જ તે અનંતનાગમાંથી ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ ૧૯૯૯માં આતંકવાદીઓ દ્વારા ભારતના એક પેસેન્જર વિમાનનું અપહરણ કરીને અફઘાનિસ્તાનના કંદહાર ખાતે લઈ જવાયું હતું. વિમાન પ્રવાસીઓની સુરક્ષિત મુક્તિ માટે ભારત સરકારે મસૂદને છોડવો પડયો હતો.