બીજિંગઃ ચીનના શહેર સેનમેક્સિયામાં પુરાતત્વવિદોને થોડાક મહિના પહેલા ખોદકામમાં તાંબાનું એક વાસણ મળ્યું હતું. આ ખોદકામ એક મકબરા નીચે કરાઇ રહ્યું હતું. આ વાસણનો આકાર હંસ જેવો હતો અને તેમાં આછા પીળાં અને ભુરા રંગનું પ્રવાહી ભરેલું હતું. આ પાત્ર અને તેના અંદર ભરેલા પ્રવાહી શું છે તે જાણવા પુરાતત્વવિદો ઉત્સુક હતા. બીજિંગની પ્રયોગશાળામાં મહિનાઓ સુધી ચાલેલા પરીક્ષણ બાદ હવે હવે તાંબાના વાસણમાં રહેલા પ્રવાહીનું રહસ્ય જાણવા મળ્યું છે. નિષ્ણાતોના મતે, આ પ્રવાહી ૨૦૦૦ વર્ષ જૂનું ઔષધીય વાઇન છે.
વિજ્ઞાનીઓના મતે ચીનમાં હેન સામ્રાજયના પ્રાચીન તબીબી પુસ્તકમાં આ પ્રકારના ઔષધીય વાઇનનો ઉલ્લેખ જોવા મળે છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરલ રેલિક્સ અને આર્કિયોલોજી ઓફ સેનમેક્સિયાના વિશેષજ્ઞોના મતે પોટની ડિઝાઇન અને તેને સાચવવાની વિશિષ્ટ પદ્વતિને કારણે તે ૨૦૦૦ વર્ષ બાદ પણ હજુ સુધી સુરક્ષિત છે. જોકે આ ઔષધીય વાઇન બનાવવાની પ્રક્રિયા અને તેનાથી થતા ફાયદાઓ અંગે હજુ સંશોધન ચાલી રહ્યું છે. આ અગાઉ માર્ચ ૨૦૧૯માં આ જ સાઇટ પરથી તાંબાના એક વાસણમાં ૩.૫ લિટર પ્રવાહી મળ્યું હતું. આ સમયે દાવો કરાયો હતો કે ચીનના પ્રાચીન સાહિત્યમાં અમરત્વ પ્રદાન કરતા જે પ્રવાહીનો ઉલ્લેખ જોવા મળે છે તે આ જ છે.