વેનકુંવર/નવી દિલ્હીઃ કેનેડાની ઈમિગ્રેશન એજન્સી દ્વારા સતત બીજા વર્ષે ૧૦૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી પરમીટ આપવામાં આવી હતી. કેનેડા દ્વારા ૨૦૧૯માં મંજૂર કરાયેલી ૪૦૦,૦૦૦થી વધુ નવી સ્ટડી પરમીટમાં ભારતીય વિદ્યાર્થીઓને ૧૩૯,૦૦૦ અથવા ૩૪.૫ ટકા જ્યારે બીજા ક્રમે ચીનને ૨૧ ટકા પરમીટ અપાઈ હતી. કેનેડા દ્વારા ૨૦૧૮માં કુલ ૩૫૫,૦૦૦ સ્ટડી પરમીટ મંજૂર કરાઈ હતી. તેમાં આ વર્ષે ૧૩.૮ ટકાનો વધારો નોંધાયો હતો.
છેલ્લાં ત્રણ વર્ષના વિશ્લેષણમાં ચીની વિદ્યાર્થીઓેને મંજૂર કરાતી સ્ટડી પરમીટમાં ઘટાડો અને ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયાનું જણાયું હતું. ૨૦૧૯માં ૮૪,૭૧૦ ચીની વિદ્યાર્થીઓેને પરમીટ અપાઈ હતી જે આગળના વર્ષની ૮૫,૧૬૫ કરતાં ઓછી હતી. તેનાથી ઉલટું ભારતીય વિદ્યાર્થીઓેને સ્ટડી પરમીટમાં બે વર્ષમાં ૬૮.૩ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૧૮માં ૧૦૭,૦૦૦ની સામે ૨૦૧૯માં ૧૩૯,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓેને પરમીટ અપાઈ હતી. ૨૦૧૭માં માત્ર ૮૨,૯૯૦ ભારતીય વિદ્યાર્થીને સ્ટડી પરમીટ અપાઈ હતી.
કેનેડા સતત વધુ વિદેશી વિદ્યાર્થીઓેને આકર્ષી રહ્યું છે. આ વધારો અમેરિકામાં ઓપ્શનલ ટ્રેનિંગ પ્રોગ્રામ (OPT) સંબંધિત અનિશ્ચિતતા જેવા જુદા જુદા પરિબળોને લીધે થયો હતો. જોકે, તેમાંની કેટલીક સમસ્યાનો કોર્ટની દરમિયાનગીરીથી ઉકેલ લવાયો હતો. એન્ટ્રી લેવલે અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી H-1B વિઝા (વર્ક વિઝા) મેળવવા પડકારજનક હોય છે.
સ્ટડી અબ્રોડ કેરિયર કાઉન્સેલર કરણ ગુપ્તાએ જણાવ્યું હતું,‘ કોઈ વિદ્યાર્થી/વિદ્યાર્થિની કેનેડામાં અભ્યાસ કરે તો તેને સારી સેલરીની જોબ મળવાની અને ત્યાં સ્થાયી થવાની શક્યતા વધુ રહે છે. સંખ્યા વધવાનું મુખ્ય કારણ આ છે.’ તેમણે ઉમેર્યું કે કેનેડા સલામત અને વિદેશીઓને આવકારનારો દેશ હોવાનું મનાય છે.