ન્યૂ યોર્કઃ અમેરિકાની લેક્સી અલ્ફોર્ડ માત્ર ૨૧ વર્ષની વયે દુનિયાના ૧૯૬ દેશનો પ્રવાસ કરનારી પ્રથમ યુવતી બની ગઈ છે. આ સાથે જ લેક્સીએ સૌથી નાની વયે વિશ્વના સૌથી વધુ દેશનો પ્રવાસ કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. દુનિયા ફરવાના મામલે લેક્સીએ કહ્યું કે, હું પ્રવાસ દરમિયાન ઇન્ટરનેટથી દૂર રહી, પણ દુનિયા સાથે જોડાઈ રહી હતી.
૨૧ વર્ષની લેક્સી નાનપણથી દુનિયા ફરવાના સપના જોતી હતી. તેના પરિવારની કેલિફોર્નિયામાં ટ્રાવેલ-એજન્સી હતી. દર વર્ષે તે પેરન્ટ્સ સાથે સ્કૂલમાંથી કેટલાક વીકની રજા લઇને અલગ-અલગ જગ્યાએ ફરી આવતી હતી. કિશોરાવસ્થાથી જ તે પેરન્ટ્સ સાથે દેશવિદેશ ઘૂમવા લાગી હતી. તેના માતા-પિતા પણ તેનો આ શોખ જોઈને દર વર્ષે સ્કૂલ બદલાવીને અલગ-અલગ જગ્યાએ ભણવા મોકલી દેતાં હતાં. મમ્મી-પપ્પા સાથે તે કમ્બોડિયાના તરતાં ગામો, દુબઇના બુર્જ ખલીફા, આર્જેન્ટિના, ઇજિપ્તના પિરામિડ્સ મળી અનેક દેશોમાં ફરી હતી. આ બધાને કારણે લેકસીને દુનિયાની દરેક જગ્યાની ખાસિયતો જાણવામાં મજા આવવા લાગી. તેને બીજા દેશોમાં રહેતા લોકોની જિંદગી વિશે જાણવામાં ઉત્સુકતા હતી.
લેક્સી કહે છે કે હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ મારા માતા-પિતા મને દુનિયાની અલગ-અલગ જગ્યાએ ફરવા લઇ જતાં અને તે સ્થળનું મહત્ત્વ સમજાવતાં હતાં. મને આટલી મોટી દુનિયામાં વસવાટ કરતા લોકોની જિંદગી જાણવાની ઉત્સુકતા વધી ગઈ. હું દિલથી દુનિયાને ફરવા, જોવા ને માણવા માગતી હતી. મારું લક્ષ્ય વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ક્યારેય નહોતું.
લેક્સીએ ૨૦૧૬માં દુનિયાના દરેક દેશ ફરવાના મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. લેક્સી ૧૮ વર્ષની ઉંમરમાં તો ૭૨ દેશ ફરી ચૂકી હતી. હાઈસ્કૂલનો અભ્યાસ પણ તેણે નિયત સમય કરતાં બે વર્ષ પહેલાં પૂરો કરી નાખ્યો હતો. સ્થાનિક કોલેજમાંથી એસોસિયેટની ડિગ્રી લીધા બાદ તે પ્રવાસ માટે એકદમ તૈયાર થઈ ગઈ હતી.
૧૯૬ દેશ ફરવા એ કંઈ નાનીસૂની વાત તો છે નહીં. આ પ્રવાસ માટે જરૂરી નાણાં માટે લેક્સીને કોઈએ પણ મદદ નથી કરી. તેણે પોતાનો ખર્ચો જાતે ઉઠાવ્યો. લેક્સીએ ૧૨ વર્ષની ઉંમરમાં વર્લ્ડ ટૂર માટે નાણાંની બચત શરૂ કરી દીધી હતી. અજાણ્યા દેશમાં પ્રવેશતાં પહેલાં તે એ દેશને લગતી તમામ માહિતી મેળવી લેતી હતી અને હોટેલ નક્કી કરી લેતી હતી.
લેક્સી કહે છે કે પાકિસ્તાન અને વેનેઝુએલામાં મને ઘણી પ્રાકૃતિક સુંદરતા જોવા મળી હતી. સ્વાભાવિક વાત છે કે, દેશ બદલાય તેમ તેની ભાષા અને સંસ્કૃતિ પણ બદલાવાનાં જ છે. આફ્રિકામાં મને અંગ્રેજી ભાષા બોલનારા કોઈ ગાઈડ કે સારી હોટેલ પણ મળી નહોતી.
લેક્સીની આ વર્લ્ડ ટૂરમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત તો એ છે કે, તેણે કોઈ પણ દેશનું સીમકાર્ડ ખરીદ્યું નહોતું. તે ઇન્ટરનેટથી દૂર રહી હતી, પરિણામે તેને ૧૯૬ દેશની સંસ્કૃતિ અને ત્યાંના લોકોને ઊંડાણપૂર્વક સમજવાનો મોકો મળ્યો હતો.