વોશિંગ્ટનઃ અમેરિકાએ ૧૭મી જુલાઈએ કહ્યું હતું કે, સાઉથ ચાઈના સી પર ચીનનો હક્ક-દાવો ખોટો છે. એ વિવાદ વચ્ચે ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં એક ટાપુ પર ફાઈટર વિમાનો ગોઠવી દીધાં હતાં. અમેરિકાએ પહેલેથી જ બે જંગી વિમાનવાહક યુદ્ધજહાજો સાઉથ ચાઈના સીમાં ગોઠવી રાખ્યા છે. બીજી તરફ અમેરિકાએ હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાનો દાવો અમેરિકી સમાચાર સંસ્થા સીએનએનએ ૧૭મીએ કર્યો હતો. આ મિસાઈલ અવાજ કરતાં ૧૭ ગણી ઝડપી છે એટલે કે કલાકમાં ૨૧ હજાર કિ.મી.ની ઝડપે સફર કરી શકે છે.
અમેરિકાએ આ પહેલાં કહ્યું હતું, કે ચીન દક્ષિણ ચીન સમુદ્રનો ૯૦ ટકા હિસ્સો પોતાની માલિકીનો ગણાવે છે. જે ખોટો છે. આ સમુદ્ર પર ચીનનો દાવો અમેરિકા અને ભારત સહિતના દેશોએ ફગાવી દીધો હતો.
બીજી તરફ ચીને ત્યાં અનેક ટાપુ પર ગેરકાયદે કબજો મેળવી લીધો હતો અને બીજા અનેક કૃત્રિમ ટાપુ પણ બનાવી નાંખ્યા છે. એવા ટાપુ પર ચીનના ફાઈટર વિમાનો પાર્ક થયેલા સેટેલાઈટ તસવીરોમાં નજરે પડે છે. સંભવત: એ વિમાનો જે-૧૧-બી પ્રકારના છે. તાઈવાન અને વિએટનામ જેને પોતાના ગણાવે છે, એવા કેટલાક ટાપુ પર ચીને એરબેઝ બનાવ્યા છે અને ત્યાં આ ફાઈટર વિમાનો ગોઠવી દીધા છે.
અમેરિકાના બે વિમાનવાહક યુદ્ધજહાજો યુએસએસ રોનાલ્ડ રેગન અને યુએસએસ નિમિત્ઝ ઘણા સમયથી સાઉથ ચાઈના સમુદ્રમાં છે. આ જહાજોએ અગાઉ રેર કહી શકાય એવી સંયુક્ત લશ્કરી કવાયત કરી હતી. તેની સામે ચીને વાંધો ઉઠાવ્યો હતો. એ પછી ફરીથી અમેરિકાએ લશ્કરી કવાયત આરંભી હતી. બંને જહાજો પર મળીને ૧૨૦ ફાઈટર વિમાનો તથા ૧૨ હજાર નૌકાસૈનિકો તૈનાત છે. રશિયા-ચીન-અમેરિકા વચ્ચે હાઈપરસોનિક શસ્ત્ર તૈયાર કરવાની સ્પર્ધા ચાલે છે. ધરતીના કોઈ પણ ખૂણે કલાકોમાં પહોંચી શકે એવી મિસાઈલ પહેલાં તૈયાર કરવા ત્રણેય દેશો એકબીજા સાથે રેસમાં છે.
ચીન-રશિયા અગાઉ પોતાના આવા મિસાઈલ્સનું પરીક્ષણ કરી ચૂક્યા છે. એ વચ્ચે ટ્રમ્પે અગાઉ જેને સુપર-ડુપર વેપન ગણાવ્યું એ મિસાઈલનું પરીક્ષણ થયું છે.