વર્ષ ૨૦૧૬ની ૨૨મી માર્ચે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ૩૫ લોકોનાં મોત થયાં હતાં. આ ધમાકા વચ્ચે ત્યાં હાજર રહેલી જેટ એરવેઝની ફ્લાઇટ એટેન્ડેન્ટ નિધિ ખુરાના ચાફેકર ગંભીર રીતે ઘવાઇ હતી.
ભય અને પીડામાં ડૂબી ગયેલી તેની તસવીર વિશ્વભરના મીડિયામાં હુમલાની ભયાનકતાનું પ્રતીક બની ગઇ હતી. હુમલા પછી તે ૨૩ દિવસ કોમામાં રહી હતી. તે ૨૨ સર્જરીમાંથી પસાર થઇ ચૂકી. હવે નિધિ સ્વસ્થ થઈ રહી છે. પોતાની આપવીતી અને દુ:ખમાંથી બહાર આવવાની સંઘર્ષ યાત્રા તેણે એક પુસ્તક ‘અનબ્રેકન’માં લખી છે. આ પુસ્તક તાજેતરમાં લોન્ચ થયું છે. નિધિ જીવનથી નિરાશ લોકોને જીવનના સુંદર પાસાને માણતા શીખવે છે. નિધિ સારી વક્તા અને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે.
બેલ્જિયમે નિધિને ગોડમધરનું ટાઇટલ આપ્યું છે. તે ઘટના બાદ જ્યારે તે કોમામાંથી બહાર આવી ત્યારે તબીબોએ કહ્યું હતું કે, નિધિ માત્ર જીવિત છે કારણ કે તે જીવવા માગે છે. વિસ્ફોટથી તેના પગના જોઇન્ટ ખલાસ થઇ ગયાં હતાં. અનેક જગ્યાની ચામડી બળી ગઇ હતી. આખા શરીરમાં મેટલના ૪૯ અને કાચના અસંખ્ય ટુકડા ઘુસી ગયા હતા. ૧૩મી એપ્રિલે વૈશાખીના દિવસે તે ભાનમાં આવી. તેના પતિને બોલાવવામાં આવ્યા તો તેઓ નિધિને જોઇને ડરી ગયા અને તુરત જ રૂમની બહાર જતા રહ્યા હતા. ઘણા દિવસો સુધી તો નિધિને અરીસો દેખાડવામાં પણ આવ્યો નહોતો. જે દિવસે તેણે પોતાનો ચહેરો અરીસામાં જોયો તે દિવસે તે પોતે પણ ડરી ગઈ હતી. નિધિ જણાવે છે કે તે દિવસે મને લાગ્યું હતું કે બાળકો ગભરાઈ જશે, શરમ કરશે કે તેમની મા કેવી થઇ ગઇ છે? મારી નોકરી પણ હવે નહીં રહે. હું ૨૫ ટકા દાઝી ગઇ હતી અને એકદમ નિરાશ થઇ ગઇ હતી, પરંતુ સમયે મને શીખવાડ્યું તે સુંદર દેખાવા માટે માત્ર ચહેરા પર મુસ્કાન અને મનમાં સાહસ હોવું જોઈએ. હું એ જ કરી રહી છું.
જન્મની ખુશી ન મનાવી
૨૮ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ અમૃતસરના રાજાસાંસીમાં જન્મેલી નિધિ તેનાં માતા-પિતાનું ચોથું સંતાન છે. પરિવારને પુત્રની ચાહ હતી, પણ નિધિ જન્મી તેથી તેના જન્મથી પરિવારને ખુશી નહોતી. જોકે નાનીએ ઘરમાં કોઇને રડવા દીધા નહોતા. તેમણે કહ્યું હતું કે, લક્ષ્મી આવી છે. નિધિ મોટી થઇ અને જેટ એરવેઝમાં ક્રૂની સૌથી લોકપ્રિય એરહોસ્ટેસ બની ગઈ. સારી કામગીરી માટે તેને ૫૦૦થી વધુ એપ્રિએશન લેટર્સ પણ મળ્યા. ફ્લાઇટમાં તેણે ઘણી મેડિકલ ઇમર્જન્સી હેન્ડલ કરી હતી. આજે તે સફળ વક્તા છે.