કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા પછી તાલિબાને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે જો ૩૧ ઓગસ્ટની નિયત સમયમર્યાદામાં તેના તમામ સૈનિકોને નહીં હટાવે તો તેણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. અફઘાનિસ્તાન પર તાલિબાની કબજા પછી ત્યાંથી લોકોને બચાવવાનું રેસ્ક્યૂ મિશન હજી ચાલુ છે. અમેરિકા તેમજ નાટો દેશોનાં સૈનિકો અફઘાનિસ્તાન છોડીને તેમનાં દેશમાં પાછા ફરી ગયા છે. આમ છતાં રેસ્ક્યૂ મિશનને કારણે અમેરિકાનાં ૬૦૦૦થી વધુ તેમજ બ્રિટન અને અન્ય દેશોના સૈનિકો હજી કાબુલ એરપોર્ટ પર કબજો જમાવીને બેઠા છે.
તાલિબાનનાં પ્રવક્તા સોહેલ શાહિને સોમવારે કતારમાં ધમકીની ભાષામાં કહ્યું હતું કે જો અમેરિકા તેનાં સૈનિકોને પાછા ખેંચી લેવામાં વિલંબ કરશે તો તેણે ભયાનક પરિણામો ભોગવવાં પડશે.
તાલિબાને આ માટે ૩૧ ઓગસ્ટની ડેડલાઈન આપી છે. તાલિબાન અફઘાનીઓને, વિશ્વનાં દેશોને સુરક્ષાની વાત કરી રહ્યું છે. તમામ દેશોને તેમની એમ્બેસી કાબુલમાં ચાલુ રાખવા અપીલ કરે છે ત્યારે અમેરિકાને આપેલી ધમકી ઘણું મહત્ત્વ ધરાવે છે. યુએસ પ્રમુખ બાઈડેને જો રેસ્ક્યૂ ઓપરેશન લાંબું ચાલે તો અફઘાનિસ્તાનમાં તેનાં સૈનિકોનાં ૩૧ ઓગસ્ટ પછી વધુ લાંબા રોકાણનાં સંકેતો આપ્યા હતા.
તાલિબાનો ખિનજાન તરફ આગળ વધે છે
તાલિબાને વિદ્રોહીઓને ખદેડીને ફરી બગલાનના ૩ જિલ્લા પર કબજો જમાવ્યો છે અને નોર્ધન એલાયન્સને ત્યાંથી હડસેલ્યા છે. તાલિબાનનાં પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે બગલાન પ્રાંતનાં પુલ-એ-હિસાલ, બન્નૂ અને દેહ સાલેહ જિલ્લા પર તેમણે કબજો જમાવ્યો છે અને નોર્ધન એલાયન્સના લડાકુને ત્યાંથી ખદેડયા છે. તેઓ હવે ખિનજાન તરફ આગળ વધી રહ્યા છે. બગલાનમાં નોર્ધન એલાયન્સના લડવૈયાઓએ તાલિબાનો પર હુમલો કરીને તેના ૩૦૦ લડાકુને મારી નાંખ્યા હતા.