રિયાધઃ સાઉદી અરબે આતંકવાદ સામે લડવા ‘નાટો’ની જેમ ઇસ્લામિક દેશોનું લશ્કરી જોડાણ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂચિત લશ્કરી જોડાણ કોઇ ચોક્કસ દેશ વિરુદ્ધ નહીં હોય પરંતુ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) જેવાં સંગઠનોના પડકારો અને આતંકવાદ સામે લડત આપશે. આ માટે મુસ્લિમ બહુમતી ધરાવતા ૩૪ દેશોના પ્રસ્તાવિત લશ્કરી જોડાણનું માળખું તૈયાર કરવાની જવાબદારી પાકિસ્તાનને સોંપવામાં આવી હોવાનું પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલના અહેવાલમાં જણાવાયું છે.
તાજેતરમાં જ યોજાયેલી સંયુક્ત લશ્કરી કવાયત દરમિયાન પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ અને લશ્કરી વડા રાહીલ શરીફે સાઉદી અરબની ત્રણ દિવસ મુલાકાત લીધી હતી તે ઉલ્લેખનીય છે.
અલબત્ત, સૂચિત જોડાણમાં સાઉદીના કટ્ટર દુશ્મન એવા ઇરાનનો સમાવેશ કરાશે કે નહીં તે સ્પષ્ટ નથી. મધ્યપૂર્વ એશિયામાં પ્રભુત્વ માટે ઇરાન વિરુદ્ધના પડદા પાછળનાં યુદ્ધમાં સાઉદી દ્વારા માનવઅધિકારોનું ભરપૂર ઉલ્લંઘન થઇ રહ્યું હોવાના આરોપો મુકાઇ રહ્યા છે. યમનમાં સાઉદીનાં નેતૃત્વ હેઠળની ગઠબંધન સેના હૌથી બળવાખોરો સામે લડી રહી છે.
૨૧ ઇસ્લામિક દેશોની લશ્કરી કવાયત
તાજેતરમાં સાઉદીના નોર્ધર્ન રણપ્રદેશ અને દરિયાકિનારે ૨૧ ઇસ્લામિક દેશોની સેનાઓ દ્વારા સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરાયું હતું. આ સંયુક્ત લશ્કરી કવાયત આતંકવાદી હુમલાઓ સામેની તૈયારીરૂપે હાથ ધરાઈ હોવાનો દાવો કરાયો હતો.
પડદા પાછળ ઇઝરાયલની ભૂમિકા
ઇરાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમના કટ્ટરવિરોધી ઇઝરાયલના ઇશારે આ લશ્કરી જોડાણ રચાઇ રહ્યું હોવાના અહેવાલો છે. ઇઝરાયલ ચૂપચાપ સુન્ની આરબ દેશોને ગાઢ સંબંધો માટે તૈયાર કરી રહ્યો છે. તેલઅવીવ તહેરાનના પ્રભાવને ઓછો કરવા માગે છે.