બૈઇજિંગઃ ચીનના તકલામાકન રણ પ્રદેશના ગુંબજોમાંથી મળી આવેલા આશરે ચાર હજાર વર્ષ પુરાણા ૩૦૦ મમીના રહસ્ય પરથી આખરે પરદો ઉંચકાયો છે. અને આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે પનીરે! અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનતા હતા કે આ લોકો ચીનના પશ્ચિમમાં કાલા સાગર ક્ષેત્રમાંથી આવીને અહીં વસ્યા હશે કારણ કે, આ મમીના ચહેરાની બનાવટ અને વસ્ત્રો પશ્ચિમી હોય એવું લાગતું હતું. આમ વર્ષો સુધી વિજ્ઞાનીઓ એવું જ માનતા રહ્યા કે આ મમી ચીનના મૂળ નિવાસીના નથી.
જોકે હાલના સંશોધનમાં ખુલાસો થયો છે કે આ લોકો યુરેશિયાથી આવીને અહીં વસ્યા હતા. આ રહસ્ય મમી સાથે મળેલા પનીરના કારણે ખૂલ્યું છે. આ પનીર, મમી પરથી મળેલાં વસ્ત્રો અને એપિડરા નામના ઔષધીય છોડના અવશેષોની વૈજ્ઞાનિકોએ અત્યાધુનિક સાધનો વડે તપાસ હાથ ધરી હતી. આ તપાસના તારણો ઐતિહાસિક તથ્યોને બદલવામાં બહુ મહત્ત્વના સાહિત થઇ રહ્યા છે.
ચીનના ચેંગચુનની જિલિન યુનિવર્સિટીના પ્રો. યીગયુઈ ચુઈના મતે આ બહુ મોટી શોધ છે. તેનાથી માનવ વસવાટ વિશે માલુમ પડે છે. આ સાથે વર્ષોથી ચાલી આવતી વૈજ્ઞાનિક માન્યતામાં પણ ફેરફાર થયો છે. વિજ્ઞાનીઓએ આ મમીના જિનેટિક એનાલિસિસથી નવા તથ્યો ભેગાં કર્યા છે.
ચીનની ઉત્તરે આવેલા યુરેશિયાથી આ લોકોએ ૧૧ હજાર વર્ષ પહેલાં હિજરત કરી હતી. તેઓ ઉત્તરથી આવીને તકલામાકનના રણ પ્રદેશમાં વસ્યા હતા. ચીનમાં ૧૯૯૦ના દસકામાં લગભગ ૩૦૦ મમી મળી આવ્યા હતા. વિજ્ઞાનીઓના જૂથે સેમ્પલના રૂપમાં ૧૩ મમીની તપાસ કરીને ડીએનએ પણ લેવાયા હતા. મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટના નિવેદન પ્રમાણે તકલામાકન રણપ્રદેશમાં વિકસેલી આ માનવસંસ્કૃતિ ઘણે અંશે શહેરી હતી. વિજ્ઞાનીઓ દ્વારા એક મહિલાની મમીને ‘બ્યુટી ઓફ શિયાહોઈ’ નામ અપાયું છે. તેના ભૂરા વાળ અને વેશભૂષાના કારણે વિજ્ઞાનીઓ માનતા હતા કે આ લોકો પશ્ચિમના કાલા સાગર ક્ષેત્રથી આવ્યા હતા.