દુનિયા આખી વર્તમાન સમયે કોરોના સામે જંગ લડી રહી છે, પરંતુ આમાં ભારત એક ડગલું આગળ છે. કોરાના મહામારીને નાથવા ભારત જે પ્રયાસો કરી રહ્યું છે તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. માત્ર એટલું જ નહીં, પણ આ કપરા સમયમાં ભારત અન્ય દેશોને પણ મદદરૂપ થઇ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહિતના વિશ્વના અનેક દેશોએ ભારતના માનવતાપૂર્ણ અભિગમને બિરદાવ્યો છે.ભારતના આ પ્રયાસોની સરાહના કરવા અને કોરોના સામેની આ લડાઈમાં પોતે ભારતની સાથે છે તેવું દર્શાવવા માટે સ્વિત્ઝર્લેન્ડ પણ આગળ આવ્યું છે. સ્વિત્ઝર્લેન્ડે તેની જગવિખ્યાત આલ્પ્સ પર્વતમાળામાં સૌથી ઊંચેરું શીખર ધરાવતા મૈટરહોર્ન પર્વત પર લાઈટની મદદથી ત્રિરંગો બનાવ્યો હતો. ૪૪૭૮ મીટર એટલે કે ૧૪,૬૯૦ ફૂટ ઉંચા પર્વત પર ૧૦૦૦ મીટરનો વિશાળ ત્રિરંગો બનાવીને સ્વિત્ઝર્લેન્ડે સંદેશ આપ્યો હતો કે તે ભારત અને ભારતીયોની સાથે છે. સ્વિત્ઝર્લેન્ડના જરમૈટ ટુરિઝમે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ત્યારબાદ તે દુનિયાભરમાં વાઇરલ બની છે. સ્વિત્ઝર્લેન્ડના લાઈટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટરે પ્રકાશના સંયોજન વડે અદભૂત નજારો સર્જ્યો હતો. વર્તમાન સમયે કોરોના કપરા કાળમાં દરરોજ આ પર્વત પર આ પ્રકારનું ઈલ્સ્ટ્રેટર બનાવવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ તસવીરો રિટ્વિટ કરતાં લખ્યું હતુંઃ દુનિયા કોરોના વાઇરસનો ખાતમો બોલાવવા માટે એક સાથે લડી રહી છે. મહામારીના આ સમયમાં ચોક્કસપણે માનવતાનો જ વિજય થશે