મોસ્કો: આયુષ્યના આઠ દસકા વીતાવી ચૂકેલી વ્યક્તિ મોટા ભાગે રોજિંદી દોડધામભરી જિંદગીમાંથી નિવૃત્તિ લઇને પરિવારજનો સાથે દિવસો વીતાવવાનું પસંદ કરતી હોય છે, પરંતુ એકાટેરિના દ્ઝલાએવાની વાત અલગ છે. તેઓ ૮૩ વર્ષની વયે પણ ઘરે બેસીને આરામ કરવાને બદલે નોકરી કરે છે અને તે પણ માઉન્ટેન રૂટ પર પોસ્ટવુમનની નોકરી!
૮૩ વર્ષીય એકાટેરિના દ્ઝલાએવાના રશિયાનાં સૌથી ઉંમરલાયક પોસ્ટવુમન છે. તેઓ છેલ્લાં ૫૦ વર્ષથી માઉન્ટેન રૂટ પર કામ કરે છે. રશિયાના ત્રણ જિલ્લા મિઝુર, બુરન અને ત્સેઇ વચ્ચેના પત્રોની આપ-લેમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. એકાટેરિયા રોજ તેમનો પોસ્ટલ રૂટ કવર કરવા આશરે ૪૦ કિલોમીર ચાલે છે. આ કામ તેઓ અઠવાડિયામાં ૬ દિવસ કરે છે. જોકે તેઓ લાંબા સમયથી આ વિસ્તારમાં જોબ કરતાં હોવાથી હવે સ્થિતી એવી થઇ ગઇ છે કે મોટા ભાગના લોકો આ દાદીમાને ઓળખે છે, અને રસ્તે આવતા-જતા તેઓ મળી જાય તો તેમને લિફ્ટ પણ આપે છે, જેથી દાદીમાને વધુ પદયાત્રા કરવી પડે નહીં.
બીજા વિશ્વયુદ્વ દરમિયાન પોસ્ટમેનની કામગીરીમાંથી એકાટેરિના દ્ઝલાએવાને આ જોબ કરવા માટે પ્રેરણા મળી હતી. એકાટેરિના દ્ઝલાએવા તેમના કામ વિશે કહે છે કે, ‘મને આ કામ ઘણું ગમે છે. મને કોઇ લિફ્ટ આપે તેના કરતા ચાલવું વધારે ગમે છે કેમ કે તેથી હું રાહદારીઓ સાથે વાતચીત કરી શકું છું. હું નાની હતી ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે મેં પોસ્ટમેનનું કામ જોયું હતું. ત્યારથી મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હું પણ મોટી થઇને આ જ કામ કરીશ.’ વર્ષ ૧૯૫૮માં એકાટેરિનાએ ભણવાનું છોડી દીધું હતું અને ખેતીકામમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. પછી તેમને ભણવું હતું પણ ક્યારેય સ્કૂલમાં એડમિશન ન મળી શક્યું. તેમણે જોયું કે તેમના શહેરમાં કોઇ પોસ્ટવુમન નથી. તેમણે પોસ્ટલ મેનેજરને પોતે સારું કામ કરશે તેવું વચન આપ્યું અને ત્યારથી આજદિન સુધી તેમની આ નોકરીમાં ક્યારેય બ્રેક લાગી નથી.
એકાટેરિના કહે છે કે, ‘૫૦ વર્ષથી પોસ્ટવુમનની નોકરી કરવાની વાત મને હજુ પણ સપના જેવી લાગે છે. ૫૦ વર્ષ પછી પણ હું આ ફિલ્ડમાં જોબ કરતી હોઇશ તેવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું, પરંતુ હાલ હું ઘણી ખુશ છું.’