બીજિંગઃ આધુનિક સમયમાં ટેક્નોલોજીએ પણ કમાલ કરી છે. ચીનનાં હુનાન પ્રાંતમાં એન્જિનિયરિંગે કમાલ કરી ૫૭ માળની બિલ્ડિંગ બાંધવાનું કામ માત્ર ૧૯ દિવસમાં જ પૂર્ણ કર્યું છે. આ ઊંચી બિલ્ડિંગને બનાવતી કંપનીનો દાવો છે કે હવે તેમનું નામ વિશ્વની સૌથી ઝડપી બિલ્ડીંગ બાંધનાર બિલ્ડરમાં સામેલ થયું છે. ચાંગશામાં બનેલી આ ઈમારતની દરરોજ ત્રણ માળનું બાંધકામ કરાતું હતું. તેનાં માટે ૧૫ હજારથી વધારે ટ્રકોમાં સામાન મંગાવવામાં આવ્યો હતો. ઈકોફ્રેન્ડલી આ બિલ્ડિંગ તૈયાર કરવા માટે મોડયુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કંપની હજી વધુ મોટું સાહસ કરવા ઇચ્છે છે. હવે આ કંપનીનો ઈરાદો વધુ ઊંચી બિલ્ડિંગ બનાવવાનો છે. કંપની ૨૨૦ માળની આ બિલ્ડીંગનું નિર્માણ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા ઇચ્છે છે. આ બિલ્ડીંગમાં ૮૦૦ એપાર્ટમેન્ટ ભાડા માટે બન્યા છે અને ૪૦૦૦ લોકો માટે ઓફિસ પણ છે. કંસ્ટ્રક્શન કંપનીનો દાવો છે કે બિલ્ડિંગ એકદમ સુરક્ષિત અને અર્થક્વેકપ્રૂફ છે.