કેરોઃ ઇજિપ્ત એરનું એક વિમાન ગુરુવારે ભૂમધ્ય સમુદ્ર ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં તેમાં મુસાફરી કરતા તમામ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઇજિપ્તની એરલાઇન ઇજિપ્ત એરની પેરિસથી કેરો જતી ફ્લાઇટ ૮૦૪ આશરે ૨૨ હજાર ફૂટની ઊંચાઈએ હતી ત્યારે અચાનક ક્રેશ થઇ ગઇ હતી. વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૬૬ પ્રવાસીઓ હતા.
ઇજિપ્તના સિવિલ એવિએશન પ્રધાન શેરિફ ફતીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે ત્રાસવાદી હુમલો જવાબદાર હોવાની આશંકા છે. જોકે તેમણે ટેકનિકલ ખામીનો ઇનકાર પણ નહોતો કર્યો. આ વિમાન પેરિસથી કેરો જઈ રહ્યું હતું. ઇજિપ્તના વડા પ્રધાન શેરિફ ઇસ્માઇલે જણાવ્યું હતું કે વિમાનમાં ટેક્નિકલ ખામી હતી કે કોઈ આતંકવાદી હુમલો હતો તે અત્યારથી કહેવું ઉતાવળિયું પગલું ગણાશે. દુર્ઘટનાગ્રસ્ત એરબસ એ-૩૨૦ વિમાનમાં ઇજિપ્તના પ્રવાસીઓ ઉપરાંત ફ્રાન્સના ૧૫ અને ઇરાકના બે મુસાફરો હતા.