નવી દિલ્હીઃ આદિત્ય રાજ વર્લ્ડ મેરેથોન ચેલેન્જ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે ૭ દિવસમાં ૭ ખંડમાં ૭ મેરેથોન પૂર્ણ કરીને આ સિદ્ધિ મેળવી છે. હરિયાણાના ગુરગાંવના આદિત્યે ચેલેન્જનો પ્રારંભ સાઉથ આફ્રિકાના કેપટાઉનથી કર્યો હતો જ્યારે અંતિમ મેરેથોન અમેરિકાના મિયામીમાં પૂર્ણ કરી હતી. શારીરિક-માનસિક ક્ષમતાની અગ્નિપરીક્ષા સમાન આ સ્પર્ધા દરમિયાન તેણે એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ અને સાઉથ અમેરિકામાં મેરેથોન દોડી હતી.
મેરેથોનમાં કુલ ૩૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમાં ૨૭ પુરુષ અને ૧૫ મહિલાઓ સામેલ થયા હતા. મેરેથોન પૂર્ણ કરવા માટે ૧૬૮ કલાકનો સમય મળે છે. જ્યારે આદિત્યએ ૧૬૪ કલાકમાં જ તમામ મેરેથોન પૂર્ણ કરી હતી. મેરેથોનમાં ભાગ લેવા માટે અંદાજે ૩૨ લાખ રૂપિયા જેટલી તો ફી ભરવી પડે છે.
આદિત્યે આ પડકારજનક સ્પર્ધા અંગે કરેલી વાતચીતના અંશોઃ
સાત દિવસમાં વિશ્વભ્રમણ
‘આ ચેલેન્જ દર વર્ષે યોજાય છે અને તેમાં વિશ્વના દિગ્ગજ એથ્લીટ ભાગ લેતા હોય છે. આ ચેલેન્જ ૭ દિવસ અથવા ૧૬૮ કલાકમાં પૂર્ણ કરવાની રહે છે. મેં ૧૬૪ કલાકમાં તમામ મેરેથોન પૂર્ણ કરી. આ માટે ૭ દિવસમાં સમગ્ર વિશ્વમાં ફરવું પડે છે જે ઘણું થકવી નાખે છે. હું પ્રથમ ભારતીય છું જેણે આ ચેલેન્જમાં ભાગ લઈ તેને પૂરી પણ કરી છે. અમે કેપટાઉનથી શરૂઆત કરી હતી, જે પછી અમે એન્ટાર્કટિકા પહોંચ્યા. ખરાબ વાતાવરણને કારણે મેરેથોન માટે અમને દિવસના સમય ના મળ્યો. આથી અમે રાતે ૧૨ વાગ્યે દોડવાનો પ્રારંભ કર્યો અને સવારે ૭ વાગ્યા સુધીમાં તમામે મેરેથોન પૂર્ણ કરી. અમારે તમામ રનર મેરેથોન પૂર્ણ કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે અને પછી બધાએ બીજા સ્થળે સાથે પહોંચવાનું રહે છે.
માઈનસ ૩૦ ડિગ્રી, મધરાત્રે દોડ
આદિત્ય કહે છે કે એન્ટાર્કટિકામાં તો માઈનસ ૩૦ ડિગ્રી તાપમાન હતું. પવન પણ પ્રતિ કલાક ૫૦-૬૦ કિમીની સ્પીડે ફૂંકાતો હતો. આ સ્થિતિમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હતું. આ પછી ૧૩ કલાકની યાત્રા બાદ અમે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. જ્યાં રાતે ૧૧ વાગ્યે પહોંચ્યા અને ૧૨ વાગ્યે તો દોડવાની શરૂઆત કરી દીધી. મેરેથોન પૂર્ણ કર્યા બાદ બીજા દિવસે સવારે ૭ વાગ્યે અમે દુબઈ માટે નીકળ્યા. ત્યાં પણ રાતે ૧૧ વાગ્યે દોડવાનું શરૂ કર્યું. ખરાબ વાતાવરણના કારણે ઘણો સમય બગડ્યો, તેથી અમને લાગતું હતું કે ૭ દિવસમાં આ ચેલેન્જ પૂર્ણ નહીં કરી શકીએ. સંજોગ જ એવા થઈ ગયા હતા કે મેરેથોન પૂર્ણ કરો, ફ્લાઈટમાં બેસો અને બીજા દેશમાં પહોંચો. આરામનો સમય જ નહોતો મળતો. દુબઈ બાદ મેડ્રિડ, પછી બ્રાઝિલ અને અંતે મિયામીમાં ચેલેન્જ પૂર્ણ કરી. બ્રાઝિલમાં તો બપોરના ૧૨ કલાકે ૩૫-૩૬ ડિગ્રીમાં દોડ્યા. ત્યાં ૯૦ ટકાથી વધુ હ્યુમિડિટી હતી.
શારીરિક નહીં, માનસિક મજબૂતી જરૂરી
સામાન્ય સંજોગોમાં એક મેરેથોન બાદ બોડીને રિક્વરી માટે ત્રણથી ચાર દિવસનો સમય જોઈએ. પરંતુ અહીં અમે તો ૧૪-૧૪ કલાકમાં એક મેરેથોન પૂર્ણ કરી બીજી દોડતા. આ ચેલેન્જને પૂર્ણ કરવા શારીરિક ક્ષમતા માનસિક મજબૂતી વધુ જરૂરી હોય છે. ચેલેન્જ દરમિયાન બોડી એવા સ્તરે પહોંચી જાય છે કે મસલ્સ ટાઈટ થવા લાગે છે, ક્રેમ્પસની સમસ્યા થવા લાગે છે, એનર્જી લેવલ ઘટવા લાગે છે. તમે માનસિક અને સાઈકોલોજીકલી કેટલા મજબૂત છો, તે જ મહત્ત્વ ધરાવે છે.’