ઓકલેન્ડઃ બાર ટેઇલ્ડ ગોડવિટ નામના પક્ષીએ અલાસ્કાથી ન્યૂઝીલેન્ડ સુધીનો ૭૫૦૦ માઇલનો નોનસ્ટોપ પ્રવાસ કરીને ઋતુપ્રવાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. બાર ટેઇલ્ડ ગોડવિટે ૧૬મી સપ્ટેમ્બરે સાઉથ-વેસ્ટ અલાસ્કાથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો અને ૧૧ દિવસમાં અંદાજે ૭૫૦૦ માઇલનું અંતર કાપીને તે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પહોંચ્યું હતું. આ નર પક્ષી સાથે ટ્રાન્સમીટર બાંધવામાં આવ્યું હતું અને સંશોધકોએ સેટેલાઇટ દ્વારા સતત તેના પર નજર રાખી હતી. આ પક્ષીએ કલાકે ૫૫ માઇલની ઝડપે પેસિફિક સમુદ્ર પરથી ઉડ્ડયન કર્યું હતું અને રસ્તામાં ક્યાંય પણ પોરો ખાધો નહોતો! પક્ષીવિદો ગોડવિટની આ ઉડ્ડયન ક્ષમતા નિહાળીને દંગ રહી ગયા છે.
સેટેલાઇટ ડેટા પરથી ગોડવિટ પક્ષીએ કેટલું અંતર કાપ્યું તેના પર સતત નજર રખાઇ હતી. ઉપગ્રહના ડેટા પરથી તો ગોડવિટે ૮૦૦૦ માઇલનું અંતર કાપ્યાનું જણાયું હતું. જોકે કેટલાક મતભેદો બાદ આખરે નિષ્ણાતો પક્ષીએ ૭૫૦૦ માઇલનો નોનસ્ટોપ પ્રવાસ કર્યો હોવાના મુદ્દે સહમત થયા હતા. નોંધનીય છે કે આ પહેલાં એકધારા ઉડ્ડયનનો રેકોર્ડ ૨૦૦૭માં નોંધાયો હતો, જેમાં ઈ-૭ નામના બાર ટેઇલ્ડ ગોડવિટ પક્ષીએ ૭૨૫૦ માઇલનું અંતર
કાપ્યું હતું.
અવિરત પ્રવાસમાં ભોજન-શક્તિનું શું?
કોઇ પણ વ્યક્તિને આ સમાચાર વાંચીને સવાલ થાય કે જો ગોડવિટ પક્ષીએ ૭૫૦૦નું અંતર નોનસ્ટોપ કાપ્યું હોય અને તેમાં ૧૧ દિવસ લાગ્યા હોય તો પ્રવાસ દરમિયાન આહાર અને શક્તિનું શું? વાત એમ છે કે અલાસ્કા ખાતેથી લાંબો ઋતુપ્રવાસ શરૂ કરતાં પહેલાં પક્ષીએ ચરબી સ્વરૂપે શરીરમાં ઉડ્ડયન માટે જરૂરી ઊર્જાનો સંચય કરી લીધો હતો. અલાસ્કાના કિનારે તેણે શેલફિશ, કિડા અને શેવાળ જેવો શક્તિદાયક આહાર લઇને પ્રવાસ માટે તૈયારી કરી હતી. એ આહારથી તેનું કદ બમણું થઇ ગયું હતું. સાથે સાથે જ ગોડવિટે તેના અવયવોને સંકોચી નાંખીને તેનું વજન હળવું કરી નાંખ્યું હતું.
પક્ષીઓનું દિશાશોધન હજુ રહસ્ય
ગોડવિટ હોય કે અન્ય કોઇ માઇગ્રેટરી બર્ડ - તે હજારો માઇલનો લાંબો પ્રવાસ કોઇ પણ જાતની ચૂક વગર કરી શકે છે. તેઓ નિયત સ્થાનેથી રવાના થાય છે અને ચોક્કસ સ્થાને પહોંચે છે. આ જ માર્ગે તે વતન પરત ફરે છે. આ કઇ રીતે શક્ય બને છે તે વાત આજે પણ રહસ્યમય છે. ગ્લોબલ ફ્લાયવે નેટવર્કના ડો. જેસે કોન્કલિન કહે છે કે પક્ષીઓ આટલા લાંબા અંતરનું નેવિગેશન કઇ રીતે કરે છે તે હજુ રહસ્ય જ છે. ધરતી પર તેઓ ક્યાં છે, તે જાણવાની તેમની ક્ષમતા છે, જેને આપણે સમજાવી શકીએ એમ નથી.