ન્યૂ યોર્ક જિનિવા: અમેરિકામાં ૨૦૨૦માં ૭૭૦ કિમી લાંબી વીજળી ત્રાટકી તે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે. આ વીજળી એકસાથે અમેરિકાના ત્રણ સર્ધર્ન સ્ટેટ મિસિસિપી, લુઇસિયાના અને ટેક્સાસમાં એક સાથે દેખાઈ હતી. આ ૭૭૦ કિમી એટલે કે લંડનથી જર્મનીના હેમ્બર્ગ વચ્ચેનું અંતર કહી શકાય તેટલો લાંબો વીજચમકારો હતો. વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ)એ પણ વીજળી પડવાની આ ઘટનાને વિશ્વનો અત્યાર સુધીની સૌથી લાંબો વીજ ચમકારો ગણાવ્યો છે.
યુનાઇટેડ નેશન્સ (યુએન)ની ઇન્ટર-ગવર્ન્મેન્ટલ એજન્સીએ જણાવ્યું હતું કે ૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમેરિકાના દક્ષિણી રાજ્યોમાં ત્રાટકેલી વીજળીની ચોક્કસ લંબાઈ ૭૬૮ કિમી કે ૪૭૭.૨ માઇલ હતી. જોકે તે હોરિઝોન્ટલ ધોરણે આ વીજ ચમકારો ૭૬૮ પ્લસ આઠ કિમી (૪૭૭.૨ વત્તા પાંચ માઇલ્સ)નો હતો. આમ આ ચમકારાનું અંતર અમેરિકાના ન્યૂ યોર્ક અને કોલંબસ ઓહિયો વચ્ચેના અંતર જેટલું કહી શકાય.
આ ઉપરાંત સૌથી લાંબા સમય સુધી વીજ ચમકારો ચાલુ રહ્યો હોય તે રેકોર્ડ ઉરુગ્વે અને નોર્ધર્ન આર્જેન્ટિનાના સંયુક્ત નામે નોંધાયો છે. આ ઘટના ૧૮ જૂન ૨૦૨૦ના રોજ બની હતી. તે સમયે આવેલા વાવાઝોડામાં આ વીજ ચમકારો જોવા મળ્યો હતો અને તે ૧૭.૧૦૨ પ્લસ ૦.૦૦૨ સેકન્ડ ચાલ્યો હતો.
આ સિવાય સૌથી લાંબી મેગાફ્લેશનો રેકોર્ડ અગાઉના રેકોર્ડથી ૬૦ કિલોમીટર વધારે છે અને તેનું અંતર ૭૦૯ પ્લસ ૮ કિમી (૪૪૦.૬ માઇલ પ્લસ પાંચ માઇલ)નું હતું. આ ઘટના સધર્ન બ્રાઝિલમાં ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ જોવા મળી હતી. અગાઉના રેકોર્ડ અને નવા રેકોર્ડ માટે મેક્સિમમ ગ્રેટ સર્કલ ડિસ્ટન્સ મેથોડોલોજી ઉપયોગમાં લેવામાં આવી હતી.
અગાઉની મેગાફ્લેશનો સૌથી લાંબો સમયગાળો ૧૬.૭૩ સેકન્ડનો હતો, જે એક ફ્લેશમાંથી સર્જાયો હતો અને ચાર માર્ચ ૨૦૧૯ના રોજ નોર્થ આર્જેન્ટિના પર જોવા મળ્યો હતો. તેનો સમયગાળો મેગાફ્લેશના અગાઉના રેકોર્ડ કરતાં ૦.૩૭ સેકન્ડ ઓછો હતો. આ બધા તારણો અમેરિકન મિટીરિયોલોજિકલ સોસાયટીના બુલેટિનમાં પ્રકાશિત થયા છે.