નાઇજીરીયાઃ એક મુસ્લિમ ધર્મગુરુનું ૯૩ વર્ષની વયે અવસાન થયું છે, જેઓ તેમની પાછળ ૧૩૦ પત્નીઓ અને ૨૦૩ સંતાનોનો વિશાળ પરિવાર મૂકતા ગયા છે. સેન્ટ્રલ નાઈજીર સ્ટેટમાં રહેતા બેલો અબુબકરનું ૨૭મીએ અવસાન થયું હતું. તેણે ૧૩૦ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. જેમનાથી તેને ૨૦૩ બાળકો થયા હતા. જેમાંના ઘણા પુખ્ત થઈ ગયા છે.
જોકે બેલો અબુબકરની સામે અન્ય મુસ્લિમ ધર્મગુરુઓ ઘણો વિરોધ કર્યો હતો અને તેને ઐયાશ ગણાવતા કહ્યું હતું કે તે વધુમાં વધુ ચાર પત્નીઓ કરી શકે. બાકીના લગ્નો ગેરકાયદે છે.
તેનું આ ચર્ચાસ્પદ પ્રકરણ વર્ષ ૨૦૦૮માં પ્રકાશમાં આવ્યું હતું. જે સમયે તેને ૮૬ પત્નીઓ હતી. અને મુસ્લિમ ધર્મગુરુઓએ તેને આદેશ આપ્યો હતો કે તે ફક્ત ચાર સિવાયની બાકીની ૮૨ પત્નીઓને છૂટાછેડા આપે. જોકે અબુબકરે આ ધર્મગુરુઓના આદેશને ગણકાર્યો ન હતો. એટલું જ નહીં, કેટલીક પત્નીઓ પણ તેના બચાવમાં ઉતરી હતી.
એક ધર્મગુરુ એવા અબુબકરે દાવો કર્યો હતો કે તેને લગ્નો કરતા રહેવાનું દિવ્ય વરદાન ખુદા તરફથી મળ્યું છે! અને તેણે લગ્નો કરવાનું ચાલુ જ રાખ્યું હતું. હાલ તેનું મૃત્યુ થયું ત્યાં સુધી તો તેની ૧૩૦ પત્નીઓ થઈ ગઈ હતી. અને તેમાંથી કેટલીક તો હજી પણ સગર્ભા હોવાનું કહેવાય છે.