કાઠમંડુઃ બુદ્ધપૂર્ણિમા પર્વે સોમવારે નેપાળ પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં જનસમુદાયને સંબોધતા કહ્યું હતું કે ભારત અને નેપાળના સંબંધો હિમાલય જેટલા જ જૂના અને મજબૂત છે. આમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે અમારા ભગવાન રામ પણ નેપાળ વિના અધૂરા છે. અયોધ્યામાં હવે રામમંદિર બની રહ્યું છે અને નેપાળ પણ તેનાથી રાજી છે.
મોદીએ બુદ્ધપૂર્ણિમા પ્રસંગે ભગવાન બુદ્ધના વિચારો આખા વિશ્વમાં ફેલાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભગવાન બુદ્ધના વિચારોએ પૃથ્વીને વધુ શાંત બનાવી છે. ભગવાન બુદ્ધ ભૂભૌગોલિક સરહદોથી પર છે. તેઓ સર્વવ્યાપી છે. બુદ્ધ સામૂહિક માનવતા માટે અવતરણ સમાન છે. તેઓ વિચાર
પણ છે, અને સંસ્કાર પણ છે. તેઓ ત્યાગની મૂર્તિ છે.
એક દિવસની નેપાળની મુલાકાતે ગયેલા વડા પ્રધાન મોદીએ લુમ્બિની ખાતે બુદ્ધિસ્ટ સેન્ટરની શિલારોપણ વિધિ કરી હતી. તેમજ નેપાળના વડા પ્રધાન શેરબહાદુર દેઉબા સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજી હતી. બંને દેશના નેતાઓએ છ કરાર અને સમજૂતીકરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મોદીને લૂમ્બિનીમાં જનસમુદાયને સંબોધતા કહ્યું હતું કે નેપાળ અને ભારત વચ્ચેની મૈત્રીના લાભ સમગ્ર માનવજાતને મળશે.
આજકાલ આખી દુનિયાની સ્થિતિ પર નજર રાખીએ તો આપણી ગાઢ મૈત્રી સમગ્ર માનવજાતને લાભકારી નીવડશે. ભગવાન બુદ્ધમાં આપણા બંને દેશોની ભક્તિ અને વિશ્વાસ આપણને એકસૂત્રે બાંધે છે અને આપણને એક જ પરિવારના સભ્યો બનાવે છે.
મોદીએ લુમ્બિની ખાતે સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજની શિલારોપણ વિધિ કરી હતી. તેઓ માયાદેવી મંદિર ગયા હતા અને પૂજાઅર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો તે સ્થળ વિશેષ ઊર્જા પૂરી પાડે છે. મોદીએ બોધિવૃક્ષની શાખા જ્યાં રોપવામાં આવી છે ત્યાં જળ સિંચન કર્યું હતું.
મૈત્રી ગાઢ બનાવવા અનુરોધ
મોદીએ બંને દેશો વચ્ચેની મૈત્રીને વધુ ગાઢ બનાવવા અનુરોધ કર્યો હતો. મોદીએ કહ્યું કે આપણે બંને દેશના સંબંધોને હિમાલય જેટલી ઊંચાઈએ લઈ જવાના છે. તહેવારો, રીતરિવાજો અને પારિવારિક સંબંધોને એક નવી ઊંચાઈએ પહોંચાડવા છે. વર્ષોથી જળવાયેલા સંબંધોને આપણે વિજ્ઞાન, બુનિયાદી માળખું તેમજ ટેકનોલોજીથી જોડવાના છે.
દ્વિપક્ષીય મંત્રણાઃ છ સમજૂતી કરાર
મોદી અને દેઉબાએ લુમ્બિનીમાં દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. જેમાં બન્ને દેશો વચ્ચેનો સહયોગ વધુ ગાઢ બનાવવા ભાર મૂકાયો હતો. બન્ને દેશો વચ્ચે વેપાર વધારવા ચર્ચા કરાઈ હતી. બન્ને દેશોએ છ કરાર અને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા તેમજ શિક્ષણક્ષેત્રે સહયોગ
અને જળવિદ્યુત ક્ષેત્રની યોજનાઓની સમાવેશ થાય છે.
મારું વડનગર બૌદ્ધશિક્ષણનું કેન્દ્ર
મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં મારું જન્મસ્થળ વડનગર સદીઓ પહેલા બૌદ્ધશિક્ષણનું મોટું કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો મળી રહ્યા છે, જેના સંરક્ષણનું કામ ચાલુ છે. વૈશાખ સુદ પૂનમે લુમ્બિનીમાં સિદ્ધાર્થના રૂપમાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આ જ દિવસે તેમને બોધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને આ જ દિવસે કુશીનગરમાં તેમનું મહાપરિનિર્વાણ પણ થયું.