રિયાધઃ સાઉદી અરેબિયાના અતિ ધનાઢ્ય પ્રિન્સે પોતાની સંપૂર્ણ સંપત્તિ સખાવતી કાર્યો માટે દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમની સંપત્તિ ૩૨ બિલિયન ડોલરની છે. પ્રિન્સ અલ-વલીદ બિન-તલાલે જણાવ્યું કે દાનની રકમ સંપૂર્ણ યોજના સાથે આગામી વર્ષોમાં જાહેર કરવામાં આવશે. ટ્રસ્ટ સાંસ્કૃતિક સમજ વધારવા, સમુદાયોના વિકાસ, યુવાઓના વિકાસ, મહિલા સશક્તિકરણ અને પ્રાકૃતિક આપત્તિઓ વખતે રાહતના સ્વરૂપે મદદ કરશે. પરંતુ તેમાં એવી કોઈ શરત નથી કે દાનની રકમનો ખર્ચ ક્યારે કરવો. અલ-વલીદે જણાવ્યું કે તેઓ પોતે બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ રહેશે. તેમના મૃત્યુ પછી પણ ટ્રસ્ટ ચાલુ રહેશે અને માનવતાની યોજનાઓને મદદ કરતું રહેશે.
અલ-વલીદ કોણ છે
અલ-વલીદ ૬૦ વર્ષના છે. સાઉદી અરેબિયાના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ કિંગ અબ્દુલ્લાહના ભત્રીજા છે. કિંગ અબ્દુલ્લાનું જાન્યુઆરીમાં મૃત્યુ થયું હતું. તેમનો બિઝનેસ ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો છે.