રિયો ડી જાનેરોઃ વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના ઘોષ સાથે સ્વાગત કરવાની સાથે સાથે તેમણે મોદીને આવકારવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કર્યું હતું. યાદગાર આધ્યાત્મિક વાતાવરણમાં તેમને આવકાર આપવા બદલ વડાપ્રધાન મોદીએ એકસ પર પોસ્ટ મૂકીને ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો.
મંત્રોના ઉચ્ચારણ કરનારા નાગરિકોનું પીએમ મોદીએ હાથ જોડીને અભિનંદન કર્યું હતું. સ્વાગતમાં હાજર મૂળ ભારતીયોએ વંદે માતરમ અને ગરબા નૃત્ય પણ રજૂ કર્યાં હતાં. પીએમ મોદીએ કહ્યું કે બ્રાઝિલમાં અવિસ્મરણીય સ્વાગત માટે બધાનો આભાર, અહીં ભારતીય સંસ્કૃતિ સાકાર થઇ ઊઠી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી નાઇજિરિયાથી બ્રાઝિલ પહોંચ્યા હતા. તેઓ અહીંથી સાઉથ અમેરિકન દેશ ગયાનાના પ્રવાસે જશે.