નવી દિલ્હીઃ આમઆદમી પાર્ટી (આપ)માં ફાટફૂટ વધી ગઈ છે. આંતરિક ખેંચતાણ વચ્ચે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને રાજકીય બાબતોની સમિતિમાંથી દૂર કરવાની ચર્ચા છે. પાર્ટીએ બુધવારે રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજી છે. દરમિયાન, સોમવારે આપ નેતા સંજયસિંહે લીક થયેલા પત્રના મુદ્દેમાં કોઈનું નામ લીધા વગર જણાવ્યું આનાથી પાર્ટીની મજાક બની ગઈ છે. જોકે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બીમારીના કારણે ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા છે. તેમના સ્થાને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ફરજ બજાવશે.
• ઉત્તરાખંડના નથુવાલામાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાદિનની સુવર્ણ જયંતી માટે યોજાયેલા સંમેલનમાં સાધ્વી પ્રાચીએ નવા વિવાદને જન્મ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ખાન ત્રિપુટી (શાહરુખ, આમિર અને સલમાન) લવ જેહાદને પ્રોત્સાહન આપે છે, હિન્દુઓએ આ લોકોની ફિલ્મો ન જોવી જોઈએ.
• મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વંય સેવકસંઘ (આરએસએસ)ને કુંવારાઓની કલબ ગણાવીને કહ્યું હતું કે જેઓ વધુ બાળકો પેદા કરવાનું કહે છે તેમને આવું કહેવાનો કોઇ જ અધિકારી નથી કારણ કે તેઓ પોતે જ પરણેલા નથી. ઓવેસીએ તમામ મુસ્લિમોને સંગઠીત થવાની હાકલ કરતાં કહ્યું હતું કે તેમનો પક્ષ કોમવાદી નીતીઓ સામે લડી લેશે.
• અમેરિકામાં એક મહિનાની અંદર વધુ એક મંદિરને નિશાન બનાવાયું છે. કોઈ અજ્ઞાત શખસોએ મંદિરની બારીઓ તોડી હતી અને મંદિરના દરવાજા પર ‘ફિયર’ અર્થાત્ ડર તેવો શબ્દો લખ્યો હતો.
• અમેરિકામાં ભારતીય મૂળના યોગગુરુ બિક્રમ ચૌધરી સામે બળાત્કારના ૬ કેસ નોંધાયા છે. ગરમ રૂમમાં સખત કસરતની નવી નવી શોધ કરનાર ૬૯ વર્ષના ચૌધરી સામે મહિલાઓ દ્વારા ભારત સહિત વિવિધ જગ્યાએ બળાત્કાર અને છેડતીના છ કેસ દાખલ થયા છે.
• દર્દીઓને લાવનાર એક દલાલ સાથે મળીને મેડિકેર છેતરપિંડી કરનાર ૩૦ વર્ષના એક ગુજરાતી ફીઝિકલ થેરાપિસ્ટ રાજેન પટેલને ૧૬ લાખની છેતરપિંડી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
• સિંગાપોરની આઝાદીને ૫૦ વર્ષ થતાં ત્યાંની સંસદના ડેપ્યુટી સ્પિકર ચાર્લ્સ ચોન્ગ ૮૦૦ જેટલા ભારતીયો સાથે વહેલી હોળી રમવામાં જોડાયા હતા. ઇન્ડિયન વિમેન એસોસિએશનનાં પ્રેસિડેન્ટ પિયુ લાહિરીએ જણાવ્યું હતું કે આ તો વસંતની હોળીની શરૂઆત છે પણ ભારતીયો માટે આખા માર્ચ દરમિયાન લગભગ ૧૦ હોળી ઊજવવાની યોજના બનાવી છે.
• આગામી ૮મી જૂનથી ૯મી સપ્ટેમ્બર સુધી યોજાનારી કૈલાસ માનસરોવર યાત્રા માટે ૧૦ એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. કૈલાસ માનસરોવરની યાત્રા કરનારા ભાવિકોએ http/kmy.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. યાત્રાળુઓ એક જ રૂટની પસંદગી કરી શકશે. બંને રૂટ પરથી સૌપ્રથમવાર યાત્રા યોજાઈ રહેલી હોવાથી આ વખતે ૩૦૦થી વધુ યાત્રાળુ દર્શન કરી શકશે. આ વખતે યાત્રા કરવા માટે નથુલા પાસે (સિક્કીમ) વાળો રસ્તો શરૂ થયો છે.