બેઝના (મોન્ટેગ્રો)ઃ વિશ્વમાં સૌથી મોટો આળસુ કોણ એ સ્પર્ધા જીતવા માટે તીવ્ર રસાકસી ચાલી રહી છે. ખરેખર પોતે જ જગતનો સૌથી નવરો - આળસુ આદમી છે એ સાબિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. યુરોપમાં મોન્ટેનેગ્રો નામનો એક ટચૂકડો દેશ છે. અહીંના બેઝના નગરમાં આ નોખી-અનોખી સ્પર્ધા યોજાઈ રહી છે. આ દેશના લોકો એકદમ નિરાંતવા જીવ છે. રાજકોટ અને સુરતના લોકોનેય ઈર્ષા થાય એવી ધાંધલ-ધમાલ વગરની જિંદગી એ લોકો જીવે છે. જરૂર પૂરતું કામ પતાવીને ઘેર બસ આંખ મીંચીને લાંબાં પડયા રહેવું એ જ એમનાં જીવનનો મહામંત્ર અને એ જ એમનો મોક્ષ..! આથી અહીંની નગરપાલિકાના મેયરને વિચાર આવ્યો કે આપણાં બધાંમાંથી પણ કોઈ સૌથી વધુ નિરાંતે જીવતી વ્યક્તિ હશેને? ચાલો, એને શોધીને તગડું ઈનામ આપી એનું સન્માન કરીએ!
આમ તો આળસુની પરિભાષા છે કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું જરાય મન પણ ન થાય અને કામ કરવાની વાત થતાં જ જેને માનસિક ‘થાક’ લાગવા માંડે એ ‘આળસુ’ અને જે વધુ પડતી આળસ દેખાડે એ ‘એદી’!
આવા આળસુ-એદીની એક ખાસ ખાસિયત એ છે કે જો એ કોઈ કામ હાથમાં લે તો એ બીજાં કરતાં વધુ ઝડપથી કામ પતાવી નાખે, કારણ કે એ ઓછા સમયમાં કામ પતાવી દે તો બચાવેલા સમયમાં એ વધુ આળસ કરી શકે!
આવા આળસુના યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં અત્યારે ‘સૌથી વધુ આળસુ’નો ખિતાબ જીતી લેવા ઠેર ઠેરથી અનેક સ્પર્ધકો આવ્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી આ સ્પર્ધામાંથી અનેક લોકો પરાજિત થઈને પાછાં ગયા છે એમ અનેક નવા નવા ઉમેરાયા પણ છે.
આ આળસુ સ્પર્ધાનો એક જ નિયમ છે. મોન્ટેનેગ્રોના જે નગરમાં આ હરીફાઈ યોજાઈ રહી છે ત્યાં સ્પર્ધકે જઈને સતત સૂતાં જ રહેવાનું છે ને સૂતાં સૂતાં જ બધા જ કામ પતાવવાનાં! સ્પર્ધકને દ૨ 8 કલાકે માત્ર 10 મિનિટ માટે ‘ટોઈલેટ બ્રેક’ મળે..! આ સિવાય સ્પર્ધક થોડી વાર માટેય પથારીમાંથી ઊઠે તો એ આ સ્પર્ધામાંથી સીધો બહાર!
આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ઝંપલાવ્યું હતું, પણ હવે તેમાંથી માત્ર 7 જ મેદાનમાં રહ્યા છે. જોઈએ, હવે આ સાતમાંથી ક્યો આળસુ ચેમ્પિયન બનીને 1035 યુરોનું ઈનામ જીતી જાય છે!