નવી દિલ્હી: દિલ્હી સ્થિત દેશની સૌથી મોટી તબીબી વિજ્ઞાન સંસ્થા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (‘એઈમ્સ’) પર થયેલાં એક સાયબર હુમલામાં લાખો દર્દીઓની વ્યક્તિગત માહિતી લીક થઈ છે. આ સાયબર હુમલો ચાઈનીઝ હેકર્સ દ્વારા કરાયો હોવાનું મનાય છે, જેમાં ‘એઈમ્સ’ના પાંચ મુખ્ય સર્વર્સને ટાર્ગેટ બનાવાયાં હતાં. ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (‘એઈમ્સ’)ના સર્વર રેન્સમવેર એટેકને કારણે સતત 10 દિવસથી ખોટકાઈ ગયા છે. હેકર્સે ‘એઈમ્સ’ પાસેથી ખંડણી પેટે અંદાજે રૂ. 200 કરોડની ક્રિપ્ટો કરન્સીની માંગ કરી છે.
હેકિંગની જાણ ગયા સપ્તાહે 30 નવેમ્બરે થવા પામી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હેકિંગને કારણે લગભગ 3-4 કરોડ દર્દીઓના ડેટા સાથે ચેડાં થઈ શકે છે. સર્વર્સ ડાઉન થવાને પરિણામે ઇમરજન્સી, આઉટપેશન્ટ, ઇનપેશન્ટ અને લેબોરેટરી વિંગ્સમાં દર્દીની સંભાળ સેવાઓનું સંચાલન મેન્યુઅલી કરાઈ રહ્યું છે.
સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કુલ પાંચ સર્વર હેક થયા હતા. એફએસએલની ટીમ હાલ ડેટા લીકની તપાસ કરી રહી છે. જો કે, આઇએફએસઓના અધિકારીઓના જણાવ્યાં અનુસાર કોઈ ડેટા ગુમ થયો નથી. આઈએફએસઓ દ્વારા પ્રથમ વખત હેકિંગના કેસની તપાસ કરાઈ રહી છે. હેકર્સનો મુખ્ય હેતુ ખંડણીની વસૂલાત હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ચોરાયેલાં આ ડેટાને ડાર્ક વેબ પર વેચાણ માટે મુકાશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. ડાર્ક વેબ પર ‘એઈમ્સ’ના ચોરાયેલા ડેટાને લગતી 1600થી વધુ સર્ચ મળી આવી છે. ચોરાયેલાં આ ડેટામાં રાજકારણીઓ સહિત અન્ય નામાંકિત વીવીઆઈપીઓની માહિતીઓ છે.
‘એઈમ્સ’ના સર્વર્સ પર ખંડણી માટે કરાયેલાં સાયબર હુમલા અંગે પ્રતિક્રિયા આપતાં કેન્દ્રના ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે આ એક ગંભીર અને આયોજનપૂર્વકનું ષડયંત્ર છે જેમાં મોટાં સંગઠિત જૂથોની સંડોવણી હોઈ શકે છે.