નવી દિલ્હીઃ ભારત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે યૂક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢી લેવાયા છે. સુમીમાં અટવાયેલા ઉત્તરાખંડના વતની ઝીયા બલુનીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે બધા જ ભારતીયો સુમીમાંથી નીકળી ચૂક્યા છે. બીજી તરફ, સિવિલ એવિએશન મંત્રાલયે કહ્યું છે કે ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત મંગળવારે યૂક્રેનમાંથી વધુ 410 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ લોકોને બે વિશેષ વિમાન મારફતે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આ વિમાન સુસેઇવાથી રવાના થયાં હતાં. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવાઈ રહેલા ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત અત્યાર સુધીમાં 18 હજાર ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આ ઓપરેશન ફેબ્રુઆરી 2022થી ચાલી રહ્યું છે. મંત્રાલયે એવું પણ કહ્યું 75 વિશેષ યાત્રીવિમાનોથી 15,521લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ભારતીય વાયુસેનાએ 12 રેસ્ક્યુ ફ્લાઇટ થકી 2467 લોકોને યૂક્રેનમાંથી બહાર કાઢ્યા છે.
32 ટન રાહતસામગ્રી
આ અભિયાન અંતર્ગત 32 ટન રાહતસામગ્રી પણ યૂક્રેન પહોંચાડવામાં આવી છે. વિશેષ યાત્રીવિમાનોની ઉડાણોમાંથી 21 બુખારેસ્ટથી હતી. તેમાં 4575 લોકોને સ્વદેશ લાવવામાં આવ્યા. નવ ફ્લાઇટ સુસેઇવામાંથી હતી, જેમાં 1820 લોકોને પરત લાવવામાં આવ્યા. બુડાપેસ્ટમાંથી 28 ફ્લાઇટમાં 5571 લોકોને લાવવામાં આવ્યા. કોસિસેમાંથી પાંચ ફ્લાઇટ ઊડી જેમાં 909 અને રેજેસ્જોમાંથી 11 ફ્લાઇટમાં 2402 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત કિએવમાં એક ફ્લાઇટમાંથી 242 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા.
બે લાખ લોકોએ યુક્રેન છોડ્યુંઃ યુએન
યુનાટેડ નેશન્સ (યુએન)નું કહેવું છે કે યૂક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિને પગલે 20 લાખથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. ધ યુએન હાઈકમિશનર ફોર રેફ્યૂજી ફિલિપો ગ્રાન્ડીએ આ માહિતી આપતા કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદનું આ સૌથી રેફ્યૂજી સંકટ છે, અને તે વધુ ગંભીર બની રહ્યું છે.
ફસાયેલા તમામ ભારતીયોએ સુમી છોડ્યુંઃ હરદીપસિંહ પુરી
સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓ 175 કિલોમીટર દૂર આવેલા પોલ્તાવા જવા માટે રવાના થઇ ગયા છે. ભારત સરકારના વરિષ્ઠ પ્રધાન હરદીપસિંહ પુરીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે આ લોકો બસોમાં બેસીને સુમીથી રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, ‘સુમીમાં ગઈકાલે - સોમવારે રાતે 694 ભારતીય વિદ્યાર્થી ફસાયેલા હતા. તેઓ આ સમયે બસમાં પોલ્તોવા જઈ રહ્યા છે અને પોલ્તોવા સુરક્ષિત છે. ત્યાંથી તેમને આગળ લઈ જવામાં આવશે.’