નવી દિલ્હીઃ બિલિયોનેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રૂપને પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિનની વર્ષ 2024 માટેની વિશ્વની સૌથી વધારે પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. ‘ટાઈમ’ના રિપોર્ટમાં રિલાયન્સ ગ્રૂપને ભારતનો વિકાસરથ ગણાવ્યું છે.
‘ટાઇમ’ની આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બીજી વખત સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 2021માં રિલાયન્સના જિયો પ્લેટફોર્મને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ યાદીમાં અન્ય એક ભારતીય કંપની સિરમ ઇન્સ્ટીટયૂટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં રિલાયન્સને ટાઇટન્સ કેટેગરીમાં સ્થાન અપાયું છે. યાદીમાં ટાઇટન્સ ઉપરાંત લિડર્સ, ઇનોવેટર્સ, પાયોનિયર વગેરેનો સમાવેશ થતો હતો.
ટાટાને ટાઇટન્સ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે સિરમને પાયોનિયર કેટેગરીમાં સ્થાન અપાયું છે. રિપોર્ટમાં રિલાયન્સને ભારતની સૌથી મૂલ્યવાન કંપની ગણાવતા જણાવ્યું છે કે મુકેશ અંબાણીના નેતૃત્ત્વમાં તેણે ઉર્જા, રીટેલ અને ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશીને પોતાનો વિસ્તાર કર્યો છે.
સાથે સાથે જ ડિઝનીના ભારતીય બિઝનેસ સાથે રિલાયન્સ મીડિયા બિઝનેસના વિલય સંબંધી 8.5 બિલિયન ડોલરના સોદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
‘ટાઇમ’ સીરમ ઇન્સ્ટીટયૂટને વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની ગણાવતા જણાવ્યું છે કે તે દર વર્ષે 3.5 બિલિયન વેક્સિનના ડોઝ બનાવે છે. ‘ટાઇમ’એ ટાટા જૂથનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે તેની પાસે સ્ટીલ, સોફ્ટવેર, ઘડિયાળ, સમુદ્રી કેબલ, કેમિકલ, મીઠું, અનાજ, એર કન્ડિશનર, ફેશન, હોટેલ અને વાહનો સુધીનો વિશાળ પોર્ટફોલિયો છે.
ફેબ્રુઆરીમાં ટાટા જૂથનું કુલ માર્કેટ કેપ 365 બિલિયન ડોલરે પહોંચી ગયું હતું. જે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના કુલ અર્થતંત્ર કરતા પણ વધારે છે.