દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટાપુ સેન્ટ હેલેનામાં રહેલા જોનાથન નામના આ કાચબાએ વિશ્વવિક્રમ સર્જ્યો છે. જોનાથન ૧૯૦ વર્ષનો છે અને તેણે ‘દુનિયાના સૌથી વૃદ્ધ પ્રાણી’ તરીકે પોતાનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાવ્યું છે. જોનાથનનો જન્મ ૧૮૩૨માં થયો હતો અને ૧૯૩૦માં સેન્ટ હેલેનાના ગવર્નર સ્પેન્સર ડેવિડે તેને જોનાથન નામ આપ્યું હતું. આ કાચબાનું મોટાભાગનું જીવન ગવર્નર હાઉસમાં જ વીત્યું છે. જોનાથનને આમ તો તડકામાં રહેવાનું પસંદ છે, પણ વધુ પડતી ગરમી હોય તો તે છાંયડામાં રહેવાનું પસંદ કરે છે. ખોરાકમાં તેને કોબીજ, કાકડી, ગાજર, સફરજન, કેળાં અને પાંદડાવાળા શાકભાજી સૌથી વધુ પસંદ છે. ઉપરાંત તેને માણસો સાથે રહેવું વધારે ગમે છે. જોકે, ઉંમર વધવાના કારણે હવે જોનાથનની સૂંઘવાની શક્તિ નબળી પડી છે, પરંતુ તેની સાંભળવાની શક્તિ પહેલાંની જેમ જ ખૂબ સતેજ છે.