નવી દિલ્હી: ગંગા નદીની સફાઈ માટે શરૂ કરાયેલા ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટની યુનાઇટેડ નેશન્સ (યુએન)એ ભરપૂર પ્રશંસા કરી હતી. યુએન એન્વાયરોન્મેન્ટ પ્રોગ્રામે તેને એવા 10 અભૂતપૂર્વ પ્રયાસોમાં સામેલ કર્યો છે જેનાથી કુદરતને વધુ બહેતર કરાઈ છે. યુનાઇટેડ નેશન્સે જૈવ વિવિધતા સંમેલન (સીઓપી-15) દરમિયાન જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે હિમાલયથી બંગાળની ખાડી સુધી 2,525 કિમી સુધી ફેલાયેલી ગંગાને ક્લાઈમેટ ચેન્જ, વસતી વૃદ્ધિ, પ્રદૂષણ અને ઔદ્યોગિકીકરણથી ભારે નુકસાન થયું છે. ગંગાની આજુબાજુ 52 કરોડ લોકો રહે છે. આ ક્ષેત્રથી ભારતના જીડીપીને 40 ટકા મદદ મળે છે. આજુબાજુનાં જંગલોમાં મોટી માત્રામાં કાર્બન સ્ટોર થાય છે.
યુનાઇટેડ નેશન્સના મતે નમામિ ગંગે પ્રોજેક્ટથી 2,525 કિમી લાંબી નદીના 1,500 કિમીના ભાગને પુનઃજીવિત કરાયો છે. જ્યારે 30 હજાર એકરમાં જંગલોને બહાલ કરાયાં છે. તેનાથી 2030 સુધી 25 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું અનુમાન છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુખ્ય વન્યજીવ પ્રજાતિઓને પુનઃ જીવિત કરવા છે. તેમાં ડોલ્ફિન, કાચબા અને હિલસા માછલી સામેલ છે. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી 35 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ પહેલ સાથે 230 સંગઠનો જોડાયેલાં છે.