ન્યૂ યોર્કઃ અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’ના યાને મંગળ ગ્રહ પર પાણી હોવાના પુરાવા મોકલ્યા છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ તેના પર સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે ૨૦૦ કરોડ વર્ષ પહેલાં મંગળની સપાટી પર પાણી વહેતું હતું. ત્યાંથી પાણીના કારણે વહીને આવેલા સોલ્ટ મિનરલ્સ મળ્યાં છે જેના નિશાન મંગળની સપાટી પર સફેદ રંગની લીટીઓ રૂપે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે મંગળ ગ્રહથી પાણી ૩૦૦ કરોડ વર્ષ પહેલાં ખતમ થઈ ગયું હશે.
પરંતુ હવે આ અભ્યાસ બાદ જાણવા મળ્યું કે મંગળની સપાટી પર ૧૦૦ કરોડ વર્ષ બાદ સુધી પાણી હતું. મતલબ કે ૨૦૦ કરોડ વર્ષ પહેલાં પાણીનો સ્રોત ખતમ થયો છે. આ સાબિત કરવા માટે ઇન્સ્ટિટ્યૂટના બે વિજ્ઞાનીઓએ એમઆરઓથી મળેલા છેલ્લાં ૧૫ વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો. જેમાં એવું જાણવા મળ્યું કે લાલ ગ્રહની સપાટી પર પાણીની ઉપસ્થિતિ ૨૦૦થી ૨૫૦ વર્ષ પહેલાં સુધી હતી.
આ સંશોધન વિજ્ઞાની ઇલેન લીક્સે કર્યું છે. તેમની મદદ કરી છે પ્રોફેસર બિથૈની એલમૈને. આ બંનેએ એમઆરઓમાં લાગેલા કોમ્પેક્ટ રિકોન્સેન્સ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર ફોર માર્સના ડેટાનો સહારો લીધો છે. જેનાથી જાણવા મળ્યું છે કે મંગળ ગ્રહના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત ઇમ્પેક્ટ ક્રેટર એટલે કે ખાડાઓમાં ક્લોરાઇડ સોલ્ટ અને ક્લેથી ભરેલા હાઇલેર્ન્ડસ છે.