વોશિંગ્ટનઃ ઈતિહાસમાં સૌપ્રથમ વખત ચંદ્રનો સંપૂર્ણ ભૂસ્તરીય નક્શો તૈયાર કરાયો છે. ભૌગોલિક સ્થિતિને આધારે ઊમેરાયેલા રંગોને કારણે આ નક્શો કોઈ ચિત્રકારની અદ્ભૂત કલાકૃતિ હોય તેવો વધુ લાગે છે. આધુનિક સમયમાં હવે ચંદ્રના ભૌગોલિક વિસ્તારોની વધુ ચોક્કસ માહિતી મળી છે અને તેના થકી જ આ નકશો તૈયાર કરવાનું શક્ય બન્યું છે. એરિઝોનામાં આવેલા અમેરિકાના ભૌગોલિક સર્વેના અવકાશી-ભૂસ્તરીય વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને પૂરો કરાયો છે. આમ તો ચંદ્રની માપણી અગાઉ ઘણી વખત થઈ ચૂકી છે, પરંતુ આ પ્રથમ વખત પ્રમાણભૂત ભૂસ્તરશાસ્ત્રીય વર્ઝન છે. વધુમાં તેમાં આધુનિક માહિતી પણ ઉમેરાઇ છે. આ અદભૂત નક્શો તૈયાર કરવા વૈજ્ઞાનિકોએ ચંદ્રના અગાઉ છ નક્શાનો ઉપયોગ કર્યો હતો અને તેમને ભેગા કરીને આ નક્શો તૈયાર કર્યો છે. અગાઉના છ નક્શા પણ ચંદ્રની હજારો તસવીરો એકઠી કરીને બનાવાયા હતા. ‘નાસા’એ વર્ષ ૨૦૨૪માં ચંદ્ર પર સમાનવ મિશનની તૈયારી શરૂ કરી છે, જેમાં આ નક્શો ઉપયોગી સાબિત થશે. ‘નાસા’ આ મિશનમાં અંતરીક્ષ યાનને દક્ષિણ ધ્રુવની નજીક ઉતારે તેવી શક્યતા છે. વૈજ્ઞાનિકોને ત્યાં રહેલા ચંદ્રના બરફમાં વિશેષ રસ છે. અગાઉ ઇ.સ. ૧૯૬૦માં પણ ચંદ્રનો નક્શો બનવવાનો પ્રયાસ થઈ ચૂક્યો છે. જોકે, આધુનિક ટેકનોલોજી અને માહિતીને કારણે હવે વધુ ચોક્કસ અને અસરકારક નક્શો તૈયાર થઈ શક્યો છે.