નવી દિલ્હીઃ યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ સાથે સંકળાયેલા માત્ર વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ જ છે લાખોમાં કમાય તેમ નથી. હવે એજન્સી એવા 24 લોકોને શોધી રહી છે, જે લગભગ બે મહિનાનો સમય પથારી પર કાઢવા માગતા હોય. આમ કરવાના બદલામાં એજન્સી તરફથી તેમને દોઢ લાખ રૂપિયાનો પગાર પણ ચૂકવશે. એજન્સીનો આશય આ પ્રકારે લોકોને પથારીમાં સૂવડાવીને તેમની સાથે જોડાયેલો ડેટા એકઠો કરવાનો છે. આ લોકોને ખાસ રીતે તૈયાર કરાયેલા વાતાવરણમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણમાં સમય ગાળવો પડશે. એજન્સી સમજવા માગે છે કે આવી પરિસ્થિતિમાં લાંબો સમય ગાળ્યા બાદ માનવીના શરીર પર શું અસર પડી શકે છે અને તેના પ્રત્યક્ષ અને દૂરગામી પરિણામ શું આવી શકે છે.
યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ) અને ‘નાસા’ જર્મન એરોસ્પેસ સેન્ટર સાથે મળીને સ્ટડી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં સામેલ થનાર વોલન્ટિયર્સને કૃત્રિમ ગુરુત્વાકર્ષણમાં બે મહિના આરામ કરવાનો રહેશે. તેના બદલે, તેમને કુલ 18,500 ડોલર (આશરે 1.53લાખ રૂપિયા) આપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે 24થી 55 વર્ષની વચ્ચેની વયના 12 પુરુષ અને 12 મહિલા વોલન્ટિયર્સને પસંદ કરાશે. આ લોકોને જર્મન ભાષા આવડતી હોય તે જરૂરી છે. સ્વયંસેવકોએ દૈનિક જીવનના તમામ જરૂરી કામ સૂતાં-સૂતાં જ કરવાના રહેશે.