વોશિંગ્ટન/મુંબઇ: અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(‘નાસા’)નું વોયેજર-2 અવકાશયાન હજી વધુ ત્રણ વર્ષ સુધી કાર્યરત રહેશે.
‘નાસા’ના વોયેજર-2 અવકાશયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિજ્ઞાાનીઓએ અને એન્જિનિયરોએ વોયેજર-2નાં વૈજ્ઞાનિક ઉપકરણો હજી વધુ ત્રણ વર્ષ સુધી કાર્યરત રહે તે માટે નવી અને અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવી છે.
વોયેજર-2 અવકાશયાન વિશ્વનું એક માત્ર એવું અવકાશયાન છે જે છેલ્લાં 45 વરસથી અનંત, અફાટ અંતરીક્ષની સંશોધનયાત્રા કરી રહ્યું છે. ‘નાસા’ની નવી યોજના મુજબ વોયેજર-2ની અંતરીક્ષ યાત્રા હજી 2026 સુધી ચાલુ રહેશે. વોયેજર-૨ હાલ પૃથ્વીથી 12 બિલિયન કિલોમીટર કરતાં પણ વધુ અતિ અતિ દૂરના અંતરે સૂર્ય મંડળની સરહદ બહાર નીકળી ગયું છે. વોયેજર-2 2023ની 28 એપ્રિલે પૃથ્વીથી ચોક્કસ કેટલા દૂરના અંતરે છે તેનો નકશો પણ તૈયાર કર્યો છે.
પૃથ્વીથી 12 બિલિયન કિલોમીટરના અંતરને હેલિયોસ્ફિયર વિસ્તાર કહેવાય છે. હેલિયોસ્ફિયર એટલે આપણા સૌર મંડળની સરહદ.
‘નાસા’એ વોયેજર-2 અવકાશયાનને 1077ની 20, ઓગસ્ટે સૂર્ય મંડળના સૌથી વિરાટ ગુરુ ગ્રહ અને સુંદર વલયો ધરાવતા શનિ ગ્રહના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના કર્યું હતું. જોકે વોયેજરે તો ગુરુ અને શનિ વિશે પહેલી જ વખત અદભૂત અને આશ્ચર્યજનક સતસવીર માહિતી આપીને ‘નાસા’ના વિજ્ઞાાનીઓને રાજીના રેડ કરી દીધા હતા.
‘નાસા’ની જેટ પ્રપલ્ઝન લેબોરેટરી(સધર્ન કેલિફોર્નિયા)નાં વોયેજર-2 પ્રોજેક્ટનાં મુખ્ય વિજ્ઞાની લીન્ડા સ્પાઇલકેરે એવી માહિતી આપી હતી કે અમારા વોયેજર-2 અવકાશયાને અત્યાર સુધી હેલિયોસ્ફિયર વિશે જે માહિતી અને ઇમેજીસ આપ્યાં છે તે ખરેખર બહુ ઉપયોગી બની રહ્યાં છે. હજી પણ બની રહેશે એવી અમને પૂરો વિશ્વાસ છે.