નવી દિલ્હીઃ વિખ્યાત ‘ફોર્ચ્યુન’ મેગેઝિનના ‘ગ્લોબલ-૫૦૦’ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભારે પીછહઠ થઈ છે. ૫૯મા સ્થાનના ફેરબદલા સાથે રિલાયન્સ યાદીમાં નીચે ઉતરીને ૧૫૫મા ક્રમે પહોંચી છે.
‘ગ્લોબલ-૫૦૦’ લિસ્ટમાં પહેલા ક્રમે વોલમાર્ટ, બીજા ક્રમે ચીની કંપની ગ્રીડ, ત્રીજા નંબરે એમેઝોન, ચોથા નંબરે ફરી ચીનની કંપની સીએનપી અને પાંચમા ક્રમે સિનોપી ગ્રૂપનો સમાવેશ થયો છે. ભારતમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ૧૫૫મા ક્રમે રહી છે. રિલાયન્સના સ્થાનમાં ૫૯ ક્રમની ફેરબદલી થઈ હતી. ગયા વર્ષના લિસ્ટમાં કંપનીને ૯૬મા ક્રમે હતી, પરંતુ પેટ્રોલિયમના માર્કેટમાં ફટકો પડયો હોવાથી આ વર્ષે ટોપ-૧૦૦માં તેને સથાન મળ્યું નથી. રિલાયન્સની અંદાજિત રેવન્યૂ ૨૫.૩ ટકાના ઘટાડા સાથે ૬૩ અબજ ડોલર આંકવામાં આવી હતી.
ભારતીય કંપનીઓમાં તે પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. એસબીઆઈના ક્રમમાં ૧૬ સ્થાનનો સુધારો થયો હતો અને કંપની ૨૦૫મા ક્રમે રહી હતી. તો આઈઓસીને ૨૧૨મો રેન્ક અપાયો હતો. ઓએનજીસી ૨૪૩મા નંબરે અને ટાટા મોટર્સ ૩૫૭ ક્રમે ધકેલાઈ છે. ‘ફોર્ચ્યુન’ના કહેવા પ્રમાણે દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓની કુલ રેવન્યુ દુનિયાની જીડીપીના એક તૃતિયાંશ થાય છે.