નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો આંચકો આવ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના નવા આંકડા મુજબ બીલ ગેટ્સ હવે ત્રીજા ક્રમે છે. ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટ એક સ્થાન ઉપર આવી બીજા ક્રમે પહોંચી ગયા છે. મહત્ત્વની બાબત એ છે કે ગયા મહિને જ બર્નાર્ડ અર્નાલ્ટ ટોપ-૩ ક્લબમાં જોડાયા છે. વિશ્વના ૧૦૦ બિલિયોનેર્સ લિસ્ટમાં ભારતના મુકેશ અંબાણી, અંઝિમ પ્રેમજી, શિવ નાદર અને ઉદય કોટકનો સમાવેશ થાય છે. યાદીમાં સૌથી ટોચના સ્થાને જેફ બેઝોસ છે.
બર્નાર્ડ અર્નાલ્ટ લક્ઝરી ગૂડ્સ કંપની એલવીએમએચ (લુઈ વિટન મોએત હેનેસી)ના ચેરમેન અને સીઈઓ તરીકે ઓળખાય છે. ૭૦ વર્ષના અર્નાલ્ટની આ કંપની ફ્રાન્સમાં ખૂબ જ ચર્ચાસ્પદ છે. ફોર્બ્સ મેગેઝીન મુજબ બર્નાર્ડ અર્નાલ્ટે ૧૯૮૪માં લક્ઝરી ગૂડ્સ માર્કેટમાં પગ મૂક્યો હતો. ત્યાર બાદ તેમણે ટેક્સટાઈલ ગ્રૂપ હસ્તગત કર્યું હતું.
અર્નાલ્ટની સંપત્તિ કેટલી!
બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના આંકડા મુજબ બર્નાર્ડ અર્નાલ્ટની કુલ નેટવર્થ ૧૦૮ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હજી પણ ટોચ પર છે. હાલમાં બેઝોસની કુલ સંપત્તિ ૧૨૫ બિલિયન ડોલર છે. બીલ ગેટ્સ ૧૦૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
બ્લૂમબર્ગ મુજબ અર્નાલ્ટે ૨૦૧૯માં તેમની નેટવર્થમાં ૩૯ બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. બ્લૂમબર્ગની યાદીમાં સામેલ ૫૦૦ ધનિકોમાં એકલા અર્નાલ્ટ છે, જેમણે આટલા ઓછા સમયમાં તેમની નેટવર્થમાં આટલો વધારો કર્યો છે.
અંબાણી ત્રણ સ્થાન દૂર
સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના બિલિયોનેરની યાદીમાં ૧૩મા સ્થાને છે. વિશ્વના ટોપ-૧૦ બિલિયોનેરની ક્લબમાં સ્થાન મેળવવાથી હવે તે માત્ર ત્રણ જ ક્રમ દૂર છે. મુકેશ અંબાણીની નેટવર્થ હાલ ૫૧.૮ બિલિયન ડોલર છે. ભારતના બીજા સૌથી ધનિક અઝિમ પ્રેમજી આ યાદીમાં ૨૦.૫ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૪૮મા ક્રમે છે અને ત્યાર બાદ શિવ નાદર ૧૪.૫ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ૯૨મા અને ઉદય કોટક ૧૩.૮ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ૯૬મા ક્રમે છે. આમ, બ્લૂમબર્ગની વિશ્વના ૧૦૦ બિલિયોનેરની યાદીમાં ચાર ભારતીયોએ સ્થાન મેળવ્યું છે.