મારસલ (ફ્રાન્સ): જાણીતા ફ્રેન્ચ લેખક ડોમિનિક લેપિયરનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ઐતિહાસિક ઘટનાઓને પુસ્તકમાં પરોવવાનું કામ કર્યું હતું. તેમણે ભારતની આઝાદી અને વિભાજન વિષયવસ્તુ આધારિત 'ફ્રીડમ એટ મિડનાઇટ' નામે પુસ્તક લખ્યું હતું. તેમની સાથે સહલેખક તરીકે હેનરી કોલિન્સ હતા. આ પુસ્તક ભારતને મળેલી આઝાદી અને થયેલા વિભાજનની વિભિષિકા વિશે વાત કરતું પુસ્તક છે. તેમણે હેનરી કોલિન્સ સાથે અન્ય પાંચ પુસ્તક પણ લખ્યા હતા. તે બંનેનું બીજું જાણીતું પુસ્તક એટલે ‘ઇઝ પેરિસ બર્નિંગ?’. બંનેએ લખેલા છ પુસ્તકોની પાંચ કરોડ પ્રત વેચાઈ હતી. તેમણે કોલકાતાના એક રિક્ષાચાલકના જીવન આધારિત પુસ્તક પણ લખ્યું હતું. ‘સિટી ઓફ જોય’ નામનું આ પુસ્તક ખૂબ પ્રસિદ્ધ થયું હતું. 30 જુલાઈ, 1931ના રોજ ફ્રાન્સના ચેટેલિલોન શહેરમાં જન્મેલા ડોમિનિક લેપિયર ફ્રાન્સના જાણીતા લેખક હતા.
વિશ્વપ્રસિદ્ધ પુસ્તક
લેપિયર અને કોલિન્સ દ્વારા સંયુક્તપણે લખાયેલું વિશ્વપ્રસિદ્ધ પુસ્તક એટલે ‘ફ્રીડમ એટ મિડનાઇટ’. પ્રથમ સંસ્કરણનું પ્રકાશન 1975માં થયું હતું. તત્કાલીન ગવર્નર જનરલ લૂઈ માઉન્ટ બેટનને પુસ્તકમાં નાયક તરીકે પેશ કરવામાં આવ્યા છે. સમગ્ર કથાનક તેમના જીવન આસપાસ ઘૂમે છે. પુસ્તકના અંતિમ ભાગમાં સાંપ્રદાયિક રમખાણો વખતે ગાંધીજી દ્વારા થયેલી શાંતિ અપીલોની પણ વાત છે.
પુસ્તકમાં લેખક કહે છે કે અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન ભારતના ભાગલા નહોતા ઇચ્છતા. જો તેમને એ વાતની જાણ થઈ ગઈ હોત કે ઝીણા કેન્સરથી પીડાય છે અને ગણતરીના મહિનાના મહેમાન છે તો તેમણે દેશના ભાગલાનો નિર્ણય લેવાને બદલે થોડા મહિના પ્રતીક્ષા કરવાનું પસંદ કર્યું હોત. જોકે ઝીણાના હિંદુ તબીબ જ ઝીણાની તબિયતથી વાકેફ હતા. હિંદુ તબીબે પોતાના દર્દી સાથે વિશ્વાસઘાત નહોતો કર્યો.
‘સિટી ઓફ જોય’માં કોલકાતાના રિક્ષાવાળાની વાત
લેપિયરે 1985માં ‘સિટી ઓફ જોય’ નામે નવલકથાનું પ્રકાશન કર્યું હતું. આ પુસ્તક કોલકતાના રિક્ષાવાળાના મુશ્કેલ સંઘર્ષથી ભરેલા જીવન પર આધારિત છે. આ પુસ્તક આધારિત ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. પેટ્રિક સ્વેજે તે ફિલ્મમાં અભિનય આપ્યો હતો નિદર્શન રોલેન્ડ જોફે કર્યું હતું. લેપિયરે આ પુસ્તકની રોયલ્ટીનો મોટો હિસ્સો ભારતમાં માનવીય સંવેદનાના સમર્થનમાં દાનમાં આપ્યો હતો.